કાર્યવાહી:મૃતક વ્યક્તિના નામે વેક્સિન મુકવાના મામલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટા દોડી ગયા, તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે

ઉપલેટા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટામાં. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટામાં.
  • ઉપલેટાના 55 વર્ષના વૃદ્ધનું 2018માં અવસાન થયું હતું

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય વિભાગની બેદરકારી કે કૌભાંડ અંગેનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ દેવાયતભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આથી આજે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ ભંડેરી આજે ઉપલેટા દોડી ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે. ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

20 ઓગસ્ટ 2018માં હરદાસભાઇનું અવસાન થયું હતું
હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. પરંતુ ઉપલેટાના સુરજવાડી ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું સિર્ટિફિકેટ ઘરે આવતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો હતો. પરિવારના સદસ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે. છતાં કંઇ રીતે આ વેક્સિન અપાય છે. અમારા સ્વજનના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ? આ અંગે ઊંડાણપૂર્વ તપાસ કરવા પરિવારે માગ કરી છે.

ઉપલેટાના સુરજવાડી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મૂકવામાં આવી હતી.
ઉપલેટાના સુરજવાડી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મૂકવામાં આવી હતી.

આ અંગે ઊંડાણપૂર્વ તપાસ થવી જોઇએ- મૃતકના સંબંધી
આ અંગે મૃતકના સંબંધી વિરમભાઇ વારીયાએ જણાવ્યું હતું કે, ગુજરનાર હરદાસભાઇ કરંગીયા 20-8-2018માં ગુજરી ગયા છે. તેના નામનું આધારકાર્ડ કોઇએ રજૂ કરી રસી લીધી છે. પ્રથમ ડોઝ આપ્યાનો મેસેજ અમને મળતા અમે પણ ચોંકી ગયા હતા. મૃતકના નામે કોણ રસી લઇ ગયું, કોણ આવ્યો હતો તે અંગે ખાસ તપાસ થવી જોઇએ. આધારકાર્ડનો ઉપયોગ બીજી કંઇ જગ્યાએ થયો છે તેની પણ તપાસ થવી જોઇએ.

હરદાસભાઇના ભત્રીજા.
હરદાસભાઇના ભત્રીજા.

અમારી લાગણી દુભાણી છે- મૃતકના ભત્રીજા
આ અંગે મૃતક ભત્રીજા અરવિંદભાઇ નારણભાઇ કરંગીયાએ જણાવ્યું હતું કે, મારા કાકા હરદાસભાઈ 2018માં અવસાન પામ્યા હતા. તેના નામે કોઇએ વેક્સિન લીધી છે. અમને મેસેજ મળ્યો તો અમારી લાગણી દુભાણી છે. અમારા કાકા તો 2018માં ગુજરી ગયા છે તો એ વેક્સિન ક્યાંથી લઇ શકે, આ વેક્સિન કોણે લીધી છે તેની ઊંડાણપૂર્વ તપાસ થવી જોઇએ.