• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Health Department Raids 15 Food And Beverage Traders In Rajkot, Fungus Found In Dragon Fruit, 6 Kg Of Stale Fruit Destroyed On The Spot

ચેકીંગ:રાજકોટમાં ખાણીપીણીના 15 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, ડ્રેગન ફ્રુટમાં ફુગ મળી, 6 કિલો વાસી ફળનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એ-વન ફ્રુટમાં ફુગવાળા ડ્રેગન ફ્રુટ મળ્યા  - Divya Bhaskar
એ-વન ફ્રુટમાં ફુગવાળા ડ્રેગન ફ્રુટ મળ્યા 
  • 11 ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં સઘન પગલા લેવાની જરૂર માટે શાસક પક્ષના જ કોર્પોરેટરોએ તડાપીટ બોલાવ્યા બાદ હજુ ફૂડ માર્કેટમાં તેના પડઘા પડી રહ્યા છે. નોનવેજ બજારો પર તુટી પડેલા મહાપાલિકા તંત્રએ હવે નકલી ઘીના વેચાણ પર ધોંસ બોલાવવાનું નકકી કર્યુ છે અને નમુના લેવાની કામગીરી શરૂ કરી છે. તો ડ્રેગન ફ્રુટ સહિતના મોંઘા ફળ પણ વાસી અને સડેલા મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે
સામાન્ય સભામાં રાજકોટમાં સસ્તા ભાવે શુધ્ધ ઘી કઇ રીતે વેચાય શકે તેવા સવાલોનો મારો અધિકારીઓ પર થયો હતો. આથી ફૂડ વિભાગની કામગીરીમાં પણ છેલ્લા મહિનામાં ખુબ વધારો થઇ ગયાનું દેખાયું છે. ફૂડ વિભાગ દ્વારા હવે રાજકોટમાં લુઝ વેચાતા ઘીનું સેમ્પલીંગ શરૂ કરવામાં આવ્યું છે. ઢેબર રોડ જયુબીલી શાકમાર્કેટ સામે આવેલ જલારામ ઘી ડિપો અને ભકિતનગર સર્કલ પાસે ગીતા મંદિર મેઇન રોડ પર આવેલા વર્ધમાન પ્રોવિઝન સ્ટોરમાંથી લુઝ ઘીનો નમુનો લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયો છે. કોર્પો.ની સભામાં રાજકોટમાં વાસ્તવિક કરતા અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે તેવા સવાલ ઉઠયા હતા.

માલવિયા ફાટક પાસે એ-વન ફ્રુટ નામની દુકાન આવેલી છે
માલવિયા ફાટક પાસે એ-વન ફ્રુટ નામની દુકાન આવેલી છે

એ-વન ફ્રુટમાં ફુગવાળા ડ્રેગન ફ્રુટ મળ્યા
ભુતકાળમાં નકલી ઘીનો જથ્થો પોલીસે પણ પકડેલો છે ત્યારે બનાવટી, મિલાવટી ઘી પકડવા દૂધના સેમ્પલીંગ જેવી જ કામગીરીની જરૂર હોવાનો મત છે. કારણ કે નકલી ઘી પણ આરોગ્યને ખુબ જ નુકસાન કરે છે તેવું નગરસેવકોએ કહ્યું હતું. આરોગ્ય વિભાગે જાહેર કરેલી વધુ માહિતી મુજબ ફૂડ શાખા દ્વારા જાહેર આરોગ્યના હિતાર્થે ગોંડલ રોડ પર માલવિયા ફાટક પાસે ભરાતી રાત્રી બજારો અને ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફાટક પાસે એ-વન ફ્રુટ નામની દુકાન આવેલી છે. અહીંથી તો 4 કિલો વાસી અને ફુગવાળા ડ્રેગન ફ્રુટ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

બે કિલો વાસી મીઠી ચટણી મળી
સાથે જ ચેકીંગમાં બે કિલો પેશન ફ્રુટ પણ બગડી ગયેલા મળતા તેનો નાશ કરાયો છે. બાજુમાં જ આવેલ અંબિકા દાળ પકવાનમાંથી બે કિલો વાસી મીઠી ચટણી મળી આવતા તે પણ ફેંકી દેવામાં આવી હતી. આ સિવાય અન્ય 11 ધંધાર્થીને પણ ફૂડ લાયસન્સના નિયમોના ભંગ બદલ નોટીસ ફટકારવામાં આવી છે. માલવિયા ફાટક પાસેની રાત્રી બજારો અને દુકાનોને નોટીસ આપવામાં આવી છે તેમાં જલારામ ફરસાણ, અર્જુન પાન, રાજશકિત પાન, વેદમાતા પાન, દિલખુશ આમલેટ, શ્રી સાંઇ દાળ પકવાન, દિલખુશ આમલેટ, મહાદેવ દાળ પકવાન, દિપક એગ્ઝ ઝોન, નિલકંઠ આઇસ્ક્રીમ, દિપક એગ્ઝ ઝોન સહિતના 11 ધંધાર્થીનો સમાવેશ થાય છે.

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં સઘન પગલા લેવાની જરૂર
ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં સઘન પગલા લેવાની જરૂર

ઘીના સેમ્પલ લેવાની સઘન કામગીરી
ફૂડ લાયસન્સ ન લેવા કે રીન્યુ ન કરાવવા બદલ ફૂડ એકટ હેઠળ આ કામગીરી કરવામાં આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું. હવે આગામી દિવસોમાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી સઘન બને તેવી શકયતા છે. તો બજારમાં વેચાતા ફળની ખરીદી કરતા પહેલા ખુબ તકેદારી રાખવાની સલાહ પણ આરોગ્ય તંત્રએ આપી છે.

અન્ય સમાચારો પણ છે...