રાજકોટના મવડી પ્લોટમાં માયાણીનગર શેરી નં. 6માં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ધવલભાઈ સુરેશભાઈ બોરીચાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ધવલભાઈના પાર્ટનર પાસેથી લગ્ન પ્રસંગમાં ચાર દિવસ માટે ગાડી ભાડે લઈ જવાનું કહી બે કાર લઇને ગયેલો ખુસરુએ બન્ને કાર પરત આપી નથી. આથી ધવલભાઈએ તેના વિરૂદ્ધ છેતરપિંડી કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પહેલા ક્રેટા કાર લઈ ગયો
ધવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પાર્ટનરશીપમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. ગત 1 જાન્યુઆરીના રોજ તેના પાર્ટનર ધવલભાઈના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ગોંડલ રહે છે. તેણે ના પાર્ટનરને ફોન કરી મારે લગ્ન પ્રસંગ હોય ચાર દિવસ માટે ક્રેટા કાર ભાડે જોઇએ છે તેમ કહેતા તેના પાર્ટનરે ક્રેટા હાલ ભાડે ગઈ છે, આવતીકાલે આવી જશે, તેનું રોજનું ભાડું 4000 થશે તેમ કહ્યું હતું. જેથી બીજા દિવસે આરોપીએ ફરીથી ફોન કરી કાર ક્યારે આવશે? તેમ પૂછતા તેણે સાંજે પાંચ વાગ્યે આવી જશે અને લઈ જવાનું કહેતા આરોપી ગાડી લેવા આવ્યો હતો. તેના પાર્ટનર પાસેથી તેના માલિકીની કાર મવડી ચોકડી બ્રિજ નીચે સોંપાઇ હતી.
થોડા દિવસ બાદ આઈ-20 કાર લઈ ગયો
ત્યારબાદ ગત 6 જાન્યુઆરીના તેને તેના પાર્ટનરનો ફોન આવ્યો હતો અને તેના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ક્રેટા કાર ભાડે ગઇ ગયો છે તેને કાર હજુ વધારે દિવસ ભાડે રાખવી છે અને બીજી આઈ-20 કાર પણ ચાર દિવસ પૂરતી ભાડે જોઇએ છે. એક દિવસના 2200 રૂપિયા ભાડુ આપશે તેમ કહેતા કાર રાત્રિના આરોપીને આપી હતી.
હજી સુધી બન્ને કાર પરત કરી નથી
ચાર દિવસ બાદ તેણે તેના પાર્ટનરને આપણી ગાડીનું શું થયું? ચાર દિવસ થઇ ગયા, ફોન કરો તેમ કહેતા તેણે આરોપીને ફોન કર્યો હતો. આ સમયે આરોપીએ મારે હજુ ગાડીની 15 દિવસની જરૂરત છે. હું તમને ભાડું આપી દઇશ તેમ વાત કરી હતી. ત્યારબાદ તેણે તેના પાર્ટનરને આ વ્યક્તિ બરાબર છે કે નહીં? ગાડીનું શું છે? તેમ પૂછતા અને ગાડીમાં લગાવેલા જીપીએસના લોકેશન ટ્રેસ કરતા લોકેશન આવ્યું ન હતું. જેથી તેને શંકા જતા આરોપીને ફોન કરવાનું ચાલુ કરતા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આજ સુધી તેણે કાર પરત નહીં આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.