ફરિયાદ:20 ટકાના વ્યાજે બે લાખ લીધા, 3.10 લાખ ચૂકવ્યા છતાં વધુ માંગ કરી ધમકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૈયાધારના વ્યાજખોરે મોબાઇલના ધંધાર્થીને ફોન પર ધમકી દીધી

શહેરમાં તોતિંગ વ્યાજે ગેરકાયદેસર રીતે નાણાં આપતા વ્યાજખોરો સામે પોલીસની બેવડી નીતિને કારણે અવારનવાર વ્યાજખોરો ધમકી દેતા હોવાના, માર મારતા હોવાના બનાવો પ્રકાશમાં આવે છે. વ્યાજખોરોને કાબૂમાં રાખવા પોલીસ તંત્ર દ્વારા લોકદરબારના કાર્યક્રમો કરે છે. પણ આવા આયોજનથી પોલીસની બેવડી નીતિ હોવાનું સ્પષ્ટ સાબિત થતું હોય તેમ બનાવો તો અવિરતપણે બનતા રહે છે. મૂળ આણંદના અને રાજકોટના ગાંધીગ્રામ, શ્યામનગર-1માં રહેતા કાંતિભાઇ મણિભાઇ મકવાણા નામના આધેડે રૈયાધારમાં રહેતા વ્યાજખોર ભીમજી નાથુ સિંધવ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પોતે દોઢસો ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી પાસે કમ્પ્યૂટર પાર્ટસ તેમજ મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે. દરમિયાન ત્રણ વર્ષ પહેલા ધંધાના કામે નાણાંની જરૂરિયાત ઊભી થતા વ્યાજખોર ભીમજી સિંધવને વાત કરી હતી. જેથી વ્યાજખોર ભીમજી પાસેથી 20 ટકાના વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. તોતિંગ વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોર ભીમજીને સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી હતી. ભીમજીને વ્યાજના રૂ.3 લાખ ચૂકવવાના થતા હોવા છતાં તેને રૂ.3.10 લાખ વ્યાજની રકમ ચૂકવી હતી.

તેમ છતાં તે વધુ નાણાંની માગ કરતા હતા. ત્યારે શનિવારે બપોરે દુકાને હતા ત્યારે ભીમજીએ ફોન કરી હજુ વ્યાજ સાથેની રકમ ચૂકવવાની થાય છે. ક્યારે આપીશ તેમ કહી ફોન પર ધમકી દીધી હતી. વ્યાજખોરને વ્યાજ સાથે રકમ ચૂકવવા છતાં વધુ રકમની વારંવાર માગણી કરતા હોય કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસમથકનાં હેડ કોન્સ.ખોડુભા જાડેજાએ ગુનો નોંધી વ્યાજખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...