શહેરના યાજ્ઞિક રોડ વિસ્તારમાં મૂળ કોડીનાર પંથકની યુવતીને તેના જ ગામના યુવકે તમાચા ઝીંકી માર મારી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મૂળ કોડીનારની અને રાજકોટના યાજ્ઞિક રોડ, શિવશક્તિ ડેરી ફાર્મ પાસે રહીને નોકરી કરતી ભાવિકા હમીરભાઇ વાઘેલા નામની યુવતીએ કોડીનારના મારુતિનગર સોસાયટીમાં રહેતા હિમાંશુ ધીરૂભાઇ વાઢેર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે સાંજે તે તેના રૂમ પર હતી ત્યારે હિમાંશુ રૂમ પર આવી ઝઘડો કરી તું મારી સાથે સગાઇ કરવાની કેમ ના પાડે છે તેમ કહી ઝઘડો કરી જતો રહ્યો હતો.
દરમિયાન મંગળવારે સવારે સાડા આઠ વાગ્યે પોતે નોકરીએ જવા નીકળી ત્યારે ફરી હિમાંશુ રૂમ પર આવી ઝઘડો કરી ફરી તું કેમ સગાઇની ના પાડે છે તેમ કહ્યું હતું. જેથી પોતાને હાલ સગાઇ કરવી ન હોવાનું તેને કહેતા તે વધુ ઉશ્કેરાય ગયો હતો અને તમાચા ઝીંકી ગાળો ભાંડી જો સગાઇ નહિ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હિમાંશુની ધમકીથી પોતે ગભરાઇ જતા તુરંત પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી જતા હિમાંશુને સકંજામાં લઇ ભાવિકાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધરપકડ કરી હતી.
હિમાંશુ સાથે સગાઇની વાત ચાલતી હતી, પરંતુ તે પોતાને સગાઇ પછી નોકરી કરવાની ના પાડતો હોવાથી સગાઇની ના પાડી હતી. જેનો ખાર રાખી તે ગઈકાલે કોડીનારથી રાજકોટ આવ્યો હતો અને માર મારી ધમકી આપ્યાનું ભાવિકાએ ફરિયાદમાં જણાવ્યું છે. અન્ય બનાવમાં મયૂરનગર-1માં રહેતી મીના રાઠોડ નામની મહિલાના ઘરે પોલીસે દરોડો પાડી દારૂની 17 બોટલ સાથે પકડી પાડી હતી. મીના અગાઉ 4 વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું પોલીસ સૂત્રે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.