સાસરિયાઓના ત્રાસનો વધુ એક પરિણીતા ભોગ બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજકોટના નાણાવટી ચોક, ગાંધીનગર-5માં છેલ્લા 11 મહિનાથી માવતરે રહેતી પરિણીતા વિમીશાએ જેતપુર રહેતા પતિ અભિષેક, સસરા જિતેન્દ્રભાઇ ધીરજલાલ સરવૈયા, સાસુ રમીલાબેન અને નણંદ ઉર્વિશા હિરેનભાઇ પરમાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમ.કોમ. સુધી અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, તેના અભિષેક સાથે તા.8-12-2019ના લગ્ન થયા છે.
સંયુક્ત પરિવારમાં રહેતા સાસરિયાઓએ ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ બાદ સાસુ-સસરા તને તારા માતા-પિતાએ કાંઇ આપ્યું નથી, અમે અમારી દીકરીને ત્રણ-ત્રણ વખત પહેરામણી કરી છે તેવા મેણાં મારવાનું શરૂ કર્યું હતું. જોકે, નણંદને ત્રણ-ત્રણ વખત પહેરામણી કરવા છતાં હાલ તે રિસામણે હોય તે પણ પોતાને મેણાં મારી તે નોકરી જ કરી છે, ઘરકામ તો ક્યા આવડે છે. પતિ પણ પોતાની કોઇ વાત સાંભળતા નહિ. તેમ છતાં તેમને કોઇ વાત કરે તો તું નાટક કરે છે, મારી સાથે ખોટી માથાકૂટ કરે છે, તારો જ વાંક છે તેમ કહી પોતાના પર હાથ પણ ઉપાડી લેતા હતા. પોતાને પિયર પણ જવા દેતા ન હતા. દરમિયાન પોતે કોરોનાથી સંક્રમિત થતા પતિ મિત્રની હોસ્પિટલમાં દાખલ કરી જતા રહ્યાં હતાં.
જે વાત સાસુ-સસરાને કહેતા તેમને તમારા પિયર જતા રહેવાનું કહી મારાથી તારું કામ ન થાય, તું મારા દીકરાથી દૂર જ રહેજે તેમ કહી બૂમો પાડવા લાગ્યા હતા. બાદમાં પોતાને પિયર મૂકી આવવા પણ સાસુ-સસરાએ પતિને દબાણ કરતા પતિ અભિષેક પોતાને બસ સ્ટેન્ડ મૂકી જતા રહ્યાં હતાં. કોરોનાની સારવાર બાદ તબિયત સારી થઇ જતા ભાઇએ પતિ અભિષેકને તેડી જવા માટે ફોન કર્યો હતો.
જેથી પતિ અભિષેકે હવે મારે જોઇતી જ નથી, હું તેડવા નહિ આવું, તમે છૂટાછેડાની પ્રોસેસ શરૂ કરવી હોય તો કરી દો. બાદમાં નણંદના લગ્નમાં પણ પોતાને બોલાવી ન હતી અને પોતાને પિયર તરફથી મળેલી ચીજવસ્તુઓ નણંદને આપી દીધી હતી. આમ સાસરિયાઓએ સમાધાનના પ્રયાસો કરવાને બદલે પોતાના પરિવારના બધા સભ્યોના મોબાઇલ નંબર બ્લોક કરી દેતા ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.