અકસ્માત:આટકોટ પાસે ગાભણી ઘોડીને કારે ઠોકરે ચડાવતા સ્થળ પર જ મોત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ-ભાવનગર હાઇવે પર આટકોટ નજીક પૂરઝડપે ધસી આવેલી કારે ગાભણી ઘોડીને ઠોકરે ચડાવી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આટકોટ રહેતા માલધારી હિન્દુભાઇ સગ્રામભાઇ ઝાપડાએ ભાવનગર પાસિંગની કારના ચાલક સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માલધારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે સવારે તેઓ ઘરેથી ગાય, ભેંસ અને એક ઘોડીને ચરાવવા માટે જંગવડ ગામની સીમમાં ગયો હતો. આખો દિવસ ત્યાં ગાય, ભેંસ અને ઘોડીને ચરાવીને માલઢોરને લઇ પરત ઘર તરફ જવા નીકળ્યો હતો. દરમિયાન આટકોટ-જંગવડ રોડ પર ગુંદાળા ચોકડી પાસે પહોંચતા આટકોટ તરફથી ધસી આવેલી કારે ઘોડીને ઠોકરે ચડાવી હતી.

ઘોડીને ઠોકરે ચડાવ્યા બાદ દૂર સુધી તેને ઢસડી હોય ઘોડીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલકે કારને સાઇડમાં ઊભી રાખી દીધી હતી. ઘોડીનાં મોતની વાત ઘરે પહોંચી જતા ભાઇ, ભત્રીજો તેમજ ગામના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને અંતે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

માલધારી હિન્દુભાઇના જણાવ્યા મુજબ, ઘોડીનું નામ ભૂરી હતું. તે પાંચ વર્ષની હતી અને ભૂરી દસ મહિનાથી ગાભણી હતી. આટકોટ પોલીસમથકના હેડ કોન્સ.આર.જી.મેટાળિયાએ રૂ.1.30 લાખના કિંમતની ઘોડીને અડફેટે લઇ રામ રમાડી દેનાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ એટલો અરેરાટીભર્યો હતો કે અકસ્માત બાદ ઘોડી લાંબે સુધી કારે ઢસડતા ઘોડીને ગંભીર ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...