સામાજિક અધ:પતન:રાજકોટમાં ‘તેં અમને વારસ નથી આપ્યો’, ‘તું અમારો દીકરો ખાઈ ગઈ’ કહી વિધવાને ત્રાસ આપ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટની બે મહિલાએ સાસરિયાં સામે નોંધાવી પોલીસ ફરિયાદ

રાજકોટમાં સામાજિક અધ:પતન નોતરતી બે ઘટનામાં ‘તે અમને વારસ નથી આપ્યો’ કહી પરિણીતાને અને ‘તું અમારો દીકરો ખાઈ ગઈ’ કહી વિધવાને સાસરિયાંએ ત્રાસ આપતા બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રથમ ઘટનામાં જિલ્લા ગાર્ડન ચોક પાસે સોરઠિયા પ્લોટ-3માં છેલ્લા પાંચ વર્ષથી માવતરે રહેતી અનિતા નામની પરિણીતાએ અમદાવાદના જૂના વાડજમાં રહેતા પતિ અર્જુન, સાસુ લક્ષ્મીબેન, સસરા વિનોદભાઇ મંગાભાઇ પાતર, જેઠ અનિલભાઇ, જેઠાણી, રેખાબેન, દિયર વિપુલભાઇ, દેરાણી રીનાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નનાં ચાર વર્ષ સુધી દાંપત્ય જીવન સરખું ચાલ્યું
ફરિયાદ મુજબ, અર્જુન સાથે 2010માં લગ્ન થયા છે. લગ્નના ચાર વર્ષ સુધી દાંપત્ય જીવન સરખું ચાલ્યું હતું. બાદમાં સસરાને દારૂ પીવાની ટેવ હોય દારૂ પીને અપશબ્દો બોલતા હતા અને પોતાનો કોઇને કોઇ બાબતે ભૂલ કાઢી ઝઘડા કરતા હતા. જેઠ-જેઠાણી અન્ય સ્થળે રહેતા હોવા છતાં તેઓ સવારથી સાંજ સુધી ઘરે જ રહેતા હોય સાસુ અને જેઠાણી કહેતા કે તું વાંઝણી છો, તારે છોકરા નથી થતા તો તું આ ઘરમાંથી જતી રહે અમારે આ ઘરમાં તારું કોઇ કામ નથી, જેઠ પણ આ વાતમાં વચ્ચે આવી પતિને કહેતા કે આ વાંઝણીને શું ઘરમાં રાખી છે, આને કાઢી મૂક, તારા માટે સારી છોકરી શોધી તારા બીજા લગ્ન કરાવી દઇશ.

પરિવારે વાંઝિયાપણાના મેણાં મારી કાઢી મૂકી
આ વાતથી જેઠનો પ્રતિકાર કરતા તેઓ પોતાની સાથે ઝઘડો કરતા અને કહેતા બહુ બોલવું નહિ નહિતર પોલીસને બોલાવી તને આ ઘરમાંથી કાઢી મુકાવીશ. દિયર પણ આખો દિવસ પોતાને વાંઝણી વાંઝણી કહીને બોલાવતા રહેતા હતા. દેરાણી પણ તું અપશુકનિયાળ છો કહી પતિ અર્જુનને કાઢી મૂકવા માટે ઉપસાવતા હતા. જેથી પતિ પોતાને તું ગમતી નથી, તારામાં મને કોઇ રસ નથી, તું તારા બાપના ઘરે જતી રહે તારી મારે જરૂર નથી, આમેય તે મને વારસ નથી આપ્યો તેમ કહી વાંઝિયાપણાના મેણાં મારી કાઢી મૂકી હતી.

વંશવેલો આગળ વધવા ન દીધો એમ કહી ત્રાસ આપતા
જ્યારે બીજી ઘટનામાં નવા થોરાળા, ક્રિષ્ના પાર્ક સોસાયટી-6માં રહેતી દિપાલી નામની વિધવાએ ગંજીવાડામાં રહેતા સસરા પ્રાગજીભાઇ પ્રેમજીભાઇ ગોહેલ, સાસુ કેશુબેન સામે ફરિયાદ નોંધાવી છે. 2009માં વિનોદ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન ચાર દીકરી છે. 2021માં પતિનું કોરોનામાં મોત નીપજ્યાં બાદ સાસુ-સસરા તું અમારા દીકરાને ખાઇ ગઇ, કુટુંબમાં બધાને ઘરે દીકરા જન્મ્યા છે, તે જ ચાર-ચાર દીકરીને જન્મ આપ્યો છે. તે અમારો વંશવેલો આગળ વધવા ન દીધો તેમ કહી ત્રાસ આપતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...