સ્ટેન્ડિંગની બેઠકમાં ભાજપના કોર્પોરેટર ઉગ્ર:રાજકોટમાં પે એન્ડ પાર્કના ટેન્ડર આપી આવક કરવાને બદલે ફ્રિ પાર્કિંગ આપવાની માંગ કરી, કહ્યું- ટેન્ડર કરતા 50 હજાર હું વધુ આપીશ

રાજકોટ5 મહિનો પહેલા
ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ લેખિત રજુઆત કરી. - Divya Bhaskar
ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ લેખિત રજુઆત કરી.
  • લાંબા સમયે બેઠક મળતી હોવાથી દરખાસ્તોનો અભ્યાસ ન થઇ શકતાનો આક્ષેપ

રાજકોટમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ ઉગ્ર બન્યા હતા. તેઓએ બેઠક મળવા બાબતે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. તેમજ રાજકોટમાં પે એન્ડ પાર્કના ટેન્ડર આપી આવક કરવાને બદલે ફ્રિ પાર્કિંગ આપવાની માંગ કરી હતી. સાથોસાથ જણાવ્યું હતું કે, ટેન્ડર કરતા 50 હજાર હું વધારે આપીશ.

દર અઠવાડિયે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવા માંગ
નેહલ શુક્લએ BPMC એક્ટ મુજબ દર અઠવાડિયે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવા માંગ કરી હતી. વધારે દિવસો બાદ બેઠક મળતી હોવાથી દરખાસ્તોનો અભ્યાસ થઈ શકતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. લાંબા સમય બાદ બેઠક મળતા દરખાસ્તોનો ભરાવો થતો હોવાનું જણાવ્યું હતું.

આજે મનપા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.
આજે મનપા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.

શહેરના અલગ અલગ 43 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા
નેહલ શુક્લએ આ અંગે પત્ર પણ લખ્યો છે. જેમાં રાજકોટવાસીઓને ફ્રિ પાર્કિંગ સુવિધા આપવાની માંગણી કરવામાં આવી છે. તેમજ પે એન્ડ પાર્કિંગ માટે નક્કી થતી રકમ કરતા વાર્ષિક 50 હજાર તેઓ પોતાના ટ્રસ્ટ દ્વારા ચૂકવવા તૈયારી દાખવી છે. શહેરના અલગ અલગ 43 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ વધુ પે એન્ડ પાર્કિંગ માટે સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા.

નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લખેલો પત્ર

  • પે એન્ડ પાર્કિંગ માટે આજે તા. 5-03-2022ની સ્ટેન્ડિંગમાં આવેલ દરખાસ્ત નં.29 અન્વયે જણાવવાનું કે કોર્પોરેશનને આ અન્વયે થતી કુલ આવક કરતા 50,000 વધુ આપીને હું રાજકોટના શહેરીજનો માટે નિ:શુલ્ક વ્યવસ્થા આપીશ તેની લેખિત અરજી.
  • ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું વ્યક્તિગત ધોરણે સમગ્ર રાજકોટમાં જેટલા પે એન્ડ પાર્કિંગમાં પૈસા કોર્પોરેશનને મળે છે તેના કરતા 50,000 રૂપિયા વધુ આપવા તૈયાર છું, હું આ સંપૂર્ણ વ્યવસ્થા નિ:શુલ્ક ધોરણે કરાવીશ. રાજકોટના એકપણ શહેરીજનોને એક પણ પૈસો ટ્રાફિક માટે આપવો નહિ પડે. RMCને કોઇ આર્થિક નુકસાન નથી પરંતુ વધુ ફાયદો છે અને શહેરીજનોને વ્યથામાંથી મુક્તિ, ટ્રાફિક વ્યવસ્થા અંગેનો સ્ટાફ પણ મારા ખર્ચે રાખીશ.
અન્ય સમાચારો પણ છે...