રાજકોટની એચસીજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં જે વૃદ્ધાને ઢીંચણની તકલીફ હતી તેને બદલે ગર્ભાશયની સર્જરી કરવા આવેલા વૃદ્ધાને ઓપરેશન થિએટરમાં લઈ જઈ ગોઠણમાં ચેકો માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે હોસ્પિટલ તંત્રએ તો છેક સુધી સ્ટ્રેચર પરથી પડી ગયાનું જ જુઠ્ઠાણું ચલાવ્યું પણ પરિવાર સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સૌથી મોટો તફાવત એ હોય છે કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ અને તેના પરિવાર સાથે પૂરતો સંવાદ થાય છે અને તેમની દરેક તબક્કે કાળજી લેવાય છે પણ એચસીજીમાં સિવિલ કરતા પણ રેઢિયાળ તંત્ર જોવા મળ્યું છે. એચસીજીમાં બાનુબેન કાદરી નામના વૃદ્ધા દાખલ થયા હતા તેમને ગર્ભાશયની તકલીફ હતી. આ ઉપરાંત અન્ય એક વૃદ્ધા પણ દાખલ હતા જેને ઢીંચણની તકલીફ હતી. બાનુબેનને બે દિવસ પહેલા સર્જરી માટે લઈ ગયા અને ગર્ભાશયને બદલે ઢીંચણમાં સર્જરી ચાલુ કરી દીધી હતી.
આ ગંભીર ઘટના વિશે બાનુબેનના પતિએ જણાવ્યું હતું કે જે મહિલાની ઢીંચણની સર્જરી હતી તેને બદલે હોસ્પિટલનો સ્ટાફ બાનુબેનને લઈ ગયો હતો. ઓપરેશન થિએટરમાં સર્જરી શરૂ કરી અને ઢીંચણના ઓપરેશન માટે ચેકો મારતા ઢીંચણના હાડકાં સ્વસ્થ દેખાયા હતા તેથી ફાઈલ ચેક કરતા જ ભૂલથી બીજા દર્દી આવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ ભૂલ સ્વીકારવાને બદલે સ્ટ્રેચરથી પડી ગયાનું બહાનું બતાવ્યું હતું પણ આખરે તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી તેથી હવે કાયદાકીય કાર્યવાહી માટે પરિવાર આગળ વધી રહ્યો છે.
હોસ્પિટલનો સંપર્ક સાધતા સેન્ટર હેડ તેમજ સર્જરી કરનાર ડો. મિતલ દવેએ જણાવ્યું હતું કે, દર્દી સ્ટ્રેચર પરથી પડી જતા લાગી ગયું હતું તેથી ટાંકા લીધા છે અને પરિવારને આ મામલે પુરાવાઓ સાથે માહિતગાર કરાયા છે. જોકે તેની સામે પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સ્ટ્રેચર પરથી પડવાની વાત ખોટી છે અને સ્ટાફની ભૂલને કારણે જ સર્જરી ગર્ભાશયને બદલે ઢીંચણની કરી દેવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.