લોધિકા વિસ્તારની જમીન કૌભાંડમાં સાત વર્ષ પૂર્વે ગોંડલ સેશન્સ કોર્ટના હુકમથી જામીન પર છૂટેલા રાજકોટના નામચીન ભૂમાફિયા બલી ડાંગર આણી ટોળકીના હાઇકોર્ટે જામીન નામંજૂર કરી 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થઇ જવાનો હુકમ કર્યો છે.
લોધિકા વિસ્તારમાં પુષ્પાપાર્ક તરીકે ઓળખાતી જમીનના ખુલ્લા પ્લોટ પર નામચીન ભૂમાફિયા બલી ડાંગર અને તેના સાગરીતોએ ગેરકાયદેસર કબજો કરી લઇ 35 જેટલા પ્લોટધારકોને ધાક-ધમકીઓ આપી હતી. જે બનાવ અંગે 2014માં લોધિકા પોલીસમાં બલી ઉર્ફે બલદેવ વિરભાનુ ડાંગર, મયૂર ઉર્ફે મયલો બાબુલાલ પરમાર, અર્જુન રામભાઇ જલુ, રામદેવ ડાંગર સામે આઇપીસી 384, 389, 506(2), 504, 120(બી), 34, 465, 467, 471ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે તમામની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. દરમિયાન આરોપીઓએ જામીન પર છૂટવા માટે ગોંડલ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે આરોપીઓની અરજીને મંજૂર કરી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. ગોંડલ સેશન્સ કોર્ટના હુકમથી નારાજ પ્લોટધારક વસંતભાઇ ચકુભાઇ અજમેરાએ એડવોકેટ બી.ટી.રાવ, સરકારી વકીલ એલ.બી.ડાભી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારી આરોપીઓના જામીન રદ કરવાની અરજી કરી હતી. 2015માં હાઇકોર્ટમાં કરેલી અરજીની ગત તા.2-5-2022ના રોજ બંને પક્ષની સુનાવણી પૂરી થઇ હતી.
બંને પક્ષની દલીલ, રજૂઆતોને ધ્યાને રાખી હાઇકોર્ટે આરોપી બલી ડાંગર, મયૂર પરમાર, અર્જુન જલુ, રામદેવ ડાંગરને ગોંડલની સેશન્સ કોર્ટે મંજૂર કરેલી જામીન અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો છે. તેમજ તમામ આરોપીઓને 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થઇ જવા પણ આદેશ કર્યો છે.
હાઇકોર્ટમાં કરેલી અરજીમાં લોધિકા પોલીસે તમામ આરોપી હિસ્ટ્રીશીટર હોવાનું તેમજ ઓર્ગેનાઇઝ્ડ ગેંગ ચલાવતા હોવાનું જણાવ્યું છે. જામીન બાદ સ્વતંત્રતાનો દુરુપયોગ કરી કોર્ટ કાર્યવાહી દરમિયાન હાજર ન થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.