રાજકોટમાં હવે ઓલિમ્પિક કક્ષાની 10 રમત માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનશે. આ માટે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે આ પ્રોજેક્ટ માટે એસ્ટીમેટ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા સિટી ઇજનેર અને આર્કિટેક્ટ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, શહેરન વોર્ડ નં.12ના મવડી વિસ્તારમાં પુનિત 80 ફૂટ રોડ પર સર્વોદય સંકુલ પાસે 10 હજાર ચો.મી.નું અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. જેમાં 7,500 ચો.મી.માં બાંધકામ કરવામાં આવશે અને તેની પાછળ 9થી 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શૂટિંગ અને આર્ચરી ગેમ માટે રાજકોટમાં સૌપ્રથમ મેદાન આ સ્પોર્ટ્સ સંકુલમાં બનશે.
શૂટિંગ અને આર્ચરી ગેમ માટે ખાસ મેદાન બનાવાશે
પુષ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મવડી વિસ્તારમાં બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, જીમ, શૂટિંગ રેન્જ, આર્ચર પોઇન્ટ, બાસ્કેટ બોલ, ટેનિસ, વોલીબોલ અને સ્કેટિંગ સહિતની 10 રમત સાથે સુવિધાવાળુ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. આ સ્પોર્ટ્સ સંકુલ આસપાસના વિસ્તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે. શહેરમાં ઓલિમ્પિક કક્ષાની શૂટિંગ અને આર્ચરી ગેમ માટે કોઇ જ વ્યવસ્થા નથી. ત્યારે મનપાએ તેનો ખાસ વિચાર કરી આ નવા સ્પોર્ટ્સ સંકુલમાં બંને ગેમમાં ખેલાડીઓને પ્રેક્ટિસ માટેના મેદાનોની વ્યવસ્થા કરાશે.
આ સ્પોર્ટ્સ સંકુલમાં 8 પાર્કિંગ બનશે
આ આયોજન મુજબ મવડી વિસ્તારમાં આવેલા 10 હજાર ચો.મી.ના પ્લોટમાં જગ્યામાં વિશાળ સ્પોર્ટ્સ સંકુલ બનશે. જેમાં બાસ્કેટ બોલ મેદાન ઉપરાંત 2 ટેનિસ કોર્ટ, 1 વોલીબોલ મેદાન વગેરે બહારની સાઇડમાં બનશે.
જ્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં 3 બેડમિન્ટન કોર્ટ બનશે. ઉપરાંત સ્ક્વોશ, જીમ, ચેસ, કેરમ વગેરે ઇન્ડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે. આ સ્પોર્ટ્સ સંકુલમાં 8 પાર્કિંગ બનશે. 50થી 60 કાર સમાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવાશે.
લેન્ડ સ્કેપિંગ ગાર્ડન સાથેનું આ સ્પોર્ટ સંકુલ બનશે
આ ઉપરાંત લેન્ડ સ્કેપિંગ ગાર્ડન સાથેનું આ સ્પોર્ટ સંકુલ રેસકોર્ષથી અઢી ગણુ વધુ મોટુ એટલે 1800 ચો.મી.નો પ્લે એરિયા રહેશે. જેમાં 1500 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા રહેશે. આમ ઉપર મુજબના પ્રોજેક્ટનું એસ્ટેમેટ તૈયાર કરી તે મુજબ ટેન્ડર ડિઝાઇન કરી ટેન્ડરો પ્રસિદ્ધ કરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરવા આજે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે સિટી ઇજનેર તથા આર્કિટેક્ટ સાથે બેઠક યોજી હતી. પુષ્કરભાઇના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે 6 કરોડની જોગવાઇ છે અને એસ્ટીમેટ 9થી 10 કરોડનું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.