તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારે 1 દિવસના બહાને 3 દિવસ વેક્સિનેશન બંધ રાખતાં રાજકોટમાં આક્રોશ, વેક્સિન લેવા લોકોનાં વલખાં, લાંબી લાઇન, વૃદ્ધે કહ્યું- આજે મારો ચોથો ધક્કો

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી લાઇન લાગી.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી બંધ હતી. આજે ફરી રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે DivyaBhaskarની ટીમ વેક્સિનેશન કેન્દ્ર પર પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે કેન્દ્રો બહાર લોકોનાં ટોળાં વેક્સિન લેવા માટે વલખાં મારતા નજરે પડ્યા હતા તેમજ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ભરતભાઈ ગાંધી નામના સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે આજે મારો ચોથો ધક્કો છે અને આજે વેક્સિન મળી જાય તો સારું.

મિસમેનેજમેન્ટને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છેઃ સિનિયર સિટિઝન
ભરતભાઈ ગાંધી નામના સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે મમતા દિવસે બંધની જાહેરાત પછી હું બીજા દિવસે વેક્સિન લેવા ગયો હતો પણ મને કહ્યું કે ડોઝ નથી એટલે બે દિવસ બંધ રહેશે, આથી આજે ફરી આવ્યો છું. મેં ત્રણ ધક્કા તો ખાધા અને આજે ચોથો ધક્કો છે. સરકાર એકસાથે ત્રણ દિવસ બંધ રહેશે એવું કહી દીધું હોત તો અમારા જેવી ઉંમરલાયક વ્યક્તિઓને ધક્કા જ ન ખાવા પડત. મિસમેનેજમેન્ટને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મેસેજ આવે એટલે અમે દોડી આવીએ અને પછી કહે કે ડોઝ નથી, આથી તંત્રએ એવું કહેવું જોઇએ કે આ તારીખે આવજો, ડોઝ અવેલેબલ રહેશે.

વેક્સિન લેવા લોકો આરોગ્ય કેન્દ્રો પર ઊમટી પડ્યા.
વેક્સિન લેવા લોકો આરોગ્ય કેન્દ્રો પર ઊમટી પડ્યા.

7ને બદલે 10 તારીખે વારો આવશે એવું કહ્યું હતું: યુવાન
કનવર સોલંકી નામના યુવાને જણાવ્યું હતું કે મને મોબાઇલમાં મેસેજ આવ્યો, એટલે હું 7 જુલાઈએ વેક્સિન લેવા આવ્યો હતો. હું અડધી-પોણા કલાક સુધી લાઇનમાં ઊભો રહ્યો હતો, પરંતુ વેક્સિનના ડોઝ હતા નહીં, આથી બાદમાં આરોગ્ય કેન્દ્રની બહાર બોર્ડ મારી દીધું કે 8 અને 9 જુલાઈ હજી બંધ રહેશે. 10 તારીખે તમારો વેક્સિનનો વારો આવશે. હું તો યુવાન છું પણ સૌથી વધારે તકલીફ સિનિયર સિટિઝનોને થઇ રહી છે, આથી સરકારે આ બાબતે વિચાર કરવો જોઇએ અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. લોકો પોતાના કામધંધા મૂકીને વેક્સિન માટે દોડાદોડી કરે છે.

ભરતભાઈ ગાંધી (ડાબી બાજુ) અને કનવર સોલંકી (જમણી બાજુ).
ભરતભાઈ ગાંધી (ડાબી બાજુ) અને કનવર સોલંકી (જમણી બાજુ).

આજે રાજકોટની આ સાઇટ પર વેક્સિનેશન
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ–ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. 28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર–અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યૂ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. 61, હુડકો
19) શાળા નં. 20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલવે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) કબીરવન આરોગ્ય કેન્દ્ર
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારિયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

આ સેશન સાઇટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરિયા કોલોની, અયોધ્યા ચોક

લોકો વેક્સિન અપાવી રહ્યા છે.
લોકો વેક્સિન અપાવી રહ્યા છે.

રાજકોટ શહેરને કોવિશીલ્ડના 7500 ડોઝ ફાળવાયા
રાજકોટમાં વેક્સિનેશન માટે 7500 ડોઝ ફાળવવામાં આવ્યા છે. હજુ આજે ડોઝ આવશે કે નહિ એ નક્કી નથી, પણ આજે ફરી વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. ગુરુવારે રસીનો જથ્થો મોકલવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર રીજનમાં પૂરતા 78500 ડોઝ આવ્યા છે, જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાને 7500, જ્યારે રાજકોટ જિલ્લાને 7500 ડોઝની ફાળવણી થઈ છે, બાકીના જિલ્લાઓમાં પણ ફાળવણી કરી દેવાઈ છે. આ કારણે આજે ઓછાવત્તા પ્રમાણમાં રસીકરણ ચાલુ થઈ ગયું છે. જો આજે નવો જથ્થો આવે તો એનાથી વેક્સિનની ગતિમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...