સરકાર બદલાતા 15 મહિના પછી મુહૂર્ત આવ્યું:રાજકોટમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સના લોકાર્પણ બાદ હર્ષ સંઘવી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેટમિન્ટન રમ્યા

રાજકોટ9 દિવસ પહેલા
હર્ષ સંઘવી બેડમિન્ટનની રમત રમ્યા હતા.

રાજકોટની સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલનું આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હોસ્ટેલના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ યુનિવર્સિટી રોડ પર 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં હર્ષ સંઘવી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટ રમત રમ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ.50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ‘સખી’વન સ્ટોપ સેન્ટર પીડીયુ હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય રમતનું ગુજરાત સાક્ષી બનશે
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાષ્ટ્રીય રમતનો નવો ઇતિહાસ બનવા ગુજરાત જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો અને આપણે સૌ એના સાક્ષી બનીશું. છેલ્લા 7 વર્ષથી રાષ્ટ્રીય રમતનું આ આયોજન થયું નહોતું. માત્ર 90 દિવસમાં રાષ્ટ્રીય રમત માટેનું આયોજન ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. રાષ્ટ્રીય રમતના સ્વાગત માટે ગુજરાતની 50 હજાર જેટલી શાળાના બાળકો આપણી પરંપરાગત લીબું ચમચી, કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધો છે. મહાનગરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાયો છે. જેમાં રાજકોટમાં કુલ 2 લાખ લોકોએ ભાગ લીધો છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી દેશભરના ખેલાડીઓ ભાગ લેવા આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોટી નેશનલ ગેમ્સને ખુલ્લી મૂકશે.

ગરબા પછી ખાણીપીણી ગુજરાતની ઓળખ
હર્ષ સંઘવીએ નવરાત્રિના ગરબા રમીને ખેલૈયાઓ ઘરે પરત જતા હોય અને ગુજરાતીઓનું તો ખાણીપીણી સાથે જીવન જોડાયેલું છે. મા અંબાના નોરતા અને ખાણીપીણી. આ બન્નેનો લોકો સારી રીતે આનંદ માણી શકે, આ તો ઉત્સાહનો તહેવાર છે. આમાં પ્રતિબંધને બદલે વ્યવસ્થા કઈ રીતે વધારી શકીએ એ માટેનો રાજ્ય સરકારનો અભિગમ છે.

સ્પોર્ટ્સ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી.
સ્પોર્ટ્સ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી.

નેશનલ ગેમ્સના ખેલાડીઓને ગરબા શીખવજો
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ જગ્યાએ ખો ખો તો કોઈ જગ્યાએ કબડી કબડીનો અવાજ સંભળાશે. આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો બહારથી રમવા આવતા ખેલાડીઓને અંબા માતાજીના ગરબા રમવા પણ લઇ જજો. ગરબા રમ્યા પછી ખાણીપીણીની હોટેલોમાં લઇ જજો. ખેલાડીઓને ગરબા પણ શીખવજો અને અલગ અલગ રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ આપણા ગરબા રમશે શીખશે તો આવતા દિવસોમાં આસામમાં પણ ગુજરાતના ગરબા રમાશે એવી તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે.

કોઈ પોલીસ સ્ટેશનમાં આવીને ડ્રગ્સ જમા કરાવતું નથી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પંજાબની જેલમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેના કારણે પંજાબને ઘણું નુકસાન થયું છે. જો કે પંજાબના લોકોને ફાયદો થયો છે. કોઈ પોલીસ સ્ટેશનમાં આવીને ડ્રગ્સ જમા કરાવી જતું નથી. સ્થાનિક પોલીસ, સ્થાનિક એજન્સી અને કેન્દ્રની એજન્સી સાથે મળી ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે.

15 મહિના પહેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ હતી.
15 મહિના પહેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ હતી.

તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણી સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવાના હતા
આગામી 36મી આંતરરાષ્ટ્રીય રમતોત્સવને કારણે સ્પોર્ટ્સ હોસ્ટેલના લોકાર્પણનો સમય 15 મહિના બાદ આવ્યો છે. ઉલ્લેખીયન છે કે, સ્પોર્ટ્સ હોસ્ટેલ 15 મહિના પહેલા જ તૈયાર થઈ ગઈ હતી. પહેલા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પરંતુ વહીવટી કારણોથી લોકાર્પણ ન થયું. ત્યારપછી સરકાર બદલાઈ જતાં આજ સુધી હોસ્ટેલનું લોકાર્પણ થયું નહોતું.

સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આવી છે સુવિધાઓ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ મંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં બનેલ સ્પોર્ટ્સ હોસ્ટેલ બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. અહીં ખેલાડીઓ માટે 2000 ચોરસ મીટરના ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટનના ચાર કોર્ટ, ટેબલ ટેનિસના આઠ કોર્ટ, જીમ હોલ, કોચ ઓફિસ તેમજ પાંચ પ્રેક્ષક ગેલેરી અને ત્રણ પ્લેયર ગેલેરી સહિત અનેકવિધ સુવિધાઓ નિર્માણ કરવામાં આવી છે. જ્યારે મેઝનીન ફ્લોર પર જીમ્નાસ્ટિક હોલ, જુડો હોલ સહિતની સુવિધાઓ છે.

હોસ્ટેલમાં હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું.
હોસ્ટેલમાં હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું.

નેશનલ ગેમ્સને લઇ સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ
36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વર્ષે ગુજરાતમાં થયું છે અને તેમાં પણ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી 2600 જેટલા ખેલાડીઓ રાજકોટના મહેમાન બનવાના છે ત્યારે તેમને રહેવા માટેની વ્યવસ્થા સારી રીતે થઇ શકે તે માટે આજે સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર બંગલોની બાજુમાં પાંચ માળની આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. અહીં 340 ખેલાડીઓ રહી શકે તેવી આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલનું બિલ્ડિંગ 11 કરોડ 50 લાખના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનાં જુદા જુદા 12 જિલ્લામાં ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની વિધિવત પ્રેક્ટિસ મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ હોસ્ટેલનું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...