શું કેસરીયો ધારણ કરશે?:વડાપ્રધાન મોદીના 28મેના આટકોટના કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર રહે તેવી પુરી શક્યતા

રાજકોટ3 મહિનો પહેલા
  • હજી રવિવારે જ હાર્દિક પટેલે ખોડલધામમાં કોંગ્રેસથી નારાજ હોવાની વાત કરી હતી

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાર્દિક પટેલ 28મેના રોજ જસદણના આટકોટ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહે તેવી પુરી શક્યતા છે. તો શું હાર્દિક કેસરિયો ધારણ કરશે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

શું ખોડલધામની બેઠક બાદ નિર્ણય લેવાયો?
ગત રવિવારે ખોડલધામમાં હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠક યોજાયાના ત્રીજા દિવસે જ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે શું નરેશ પટેલ હાર્દિક પટેલ માટે ગેમ ચેન્જર બન્યા? તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે. નરેશ પટેલ સાથે હાર્દિક પટેલે રાજકીય ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ નરેશ પટેલને પોતાના હિતેચ્છુ પણ માને છે. આ નિર્ણય લેવા પાછળ નરેશ પટેલે સલાહ આપી હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ખોડલધામમાં બેઠક બાદ હાર્દિક પટેલે મીડિયા સમક્ષ કોંગ્રેસ સામે હૈયાવરાળ ઠાલવી હતી.
ખોડલધામમાં બેઠક બાદ હાર્દિક પટેલે મીડિયા સમક્ષ કોંગ્રેસ સામે હૈયાવરાળ ઠાલવી હતી.

આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ મોદીના હસ્તે થશે
ગઇકાલે જ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ નિવેદન આપ્યું હતું કે, સમાજના તમામ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જસદણના આટકોટ ગામે 28મેના રોજ 40 કરોડના ખર્ચે બનેલી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે અને 200 બેડની સુવિધા છે. હોસ્પિટલ 24 ડિપાર્ટમેન્ટની ઓપીડી સાથે શરૂ થશે અને સારવાર રાહતદરે કરવામાં આવશે.

ગત રવિવારે જ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી
ખોડલધામમાં ગત રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.

આટકોટમાં મોદી 200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
આટકોટમાં મોદી 200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

આટકોટમાં 2 લાખની મેદની એકઠી કરવાનો ટાર્ગેટ
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2 લાખ લોકો એકઠા થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને કાર્યક્રમની તૈયારી માટેની સમીક્ષા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કરી હતી. પાટીલ મંગળવારે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમણે સર્કિટહાઉસ ખાતે રાજકોટ શહેર-જિલ્લા ભાજપના આગેવાનો અને વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાનને અનુરૂપ જાજરમાન કાર્યક્રમ બને તે માટે પાટીલે ભાજપના સ્થાનિક આગેવાનો સાથે કાર્યક્રમની કેવી તૈયારી થઇ રહી છે તેની માહિતી મેળવી હતી તેમજ કાર્યક્રમમાં 2 લાખની મેદની એકઠી કરવા આગેવાનોને ટાર્ગેટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...