પિતાના પરસેવાનું પરિણામ:રાજકોટમાં કારખાનામાં મજૂરી કરતા પિતાની પુત્રીને અને ગોંડલમાં સુથારીકામ કરતા પિતાની લાડકવાયીને 99.99 PR

રાજકોટ21 દિવસ પહેલા
  • રાજકોટમાં 90% સાંભળી ન શકતી વિદ્યાર્થિની વંદિતા જોશીએ મેળવ્યા 98.82 PR
  • રાજકોટમાં કેટરિંગનું કામ કરતા પિતાની પુત્રીને બે વિષયમાં 100માંંથી 100 માર્ક

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજકોટમાં પિતાના પરસેવાનું પરિણામ દીકરીઓએ હાંસલ કરી બતાવ્યું છે. રાજકોટમાં કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રી હર્ષિતા કડીએ 99.99 PR મેળવ્યા છે. બીજી તરફ, ગોંડલમાં સુથારીકામ કરતા પિતાની પુત્રી દેવાંગી દેવળિયાએ પણ 99.99 PR મેળવ્યા છે.

પરિવારે ભણાવવામાં ઉત્સાહ વધાર્યોઃ હર્ષિતા
હર્ષિતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારે 99.99 PR આવ્યા છે અને મારા પપ્પા કારખાનામાં મજૂરીકામ કરે છે. ઘરેથી મને ભણવા માટે બહુ જ સાથ આપે છે. આ રિઝલ્ટ પાછળ મારા પરિવારનો સાથ છે. સ્કૂલની ટેસ્ટમાં ક્યારેક ઓછા માર્ક આવતા, પરંતુ ઓછા માર્ક આવવાને કારણે મેં મહેનત વધારી અને આટલું સારું પરિણામ લાવી શકી. મારું આગળ સીએ બનવાનું સપનું છે.

99.99 PR મેળવનાર રાજકોટની હર્ષિતા કડીને સીએ બનવું છે.
99.99 PR મેળવનાર રાજકોટની હર્ષિતા કડીને સીએ બનવું છે.

સુથારીકામ કરતા પિતાની પુત્રીને 99.99 PR
ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી દેવાંગી આશિષભાઈ દેવળિયાએ 99.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. દેવાંગીના પિતા આશિષભાઈ સુથારીકામ કરે છે. દેવાંગીએ જણાવ્યું હતું કે ધો. 12માં સ્કૂલના 7 કલાક સિવાય રોજની હું 6થી 7 કલાકની નિયમિત મહેનત કરતી હતી. હું મારા આ પરિણામનું તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરુજનોને આપું છું. અમારે ધો. 11માં કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉનને કારણે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો હતો, પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પદ્ધતિથી ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું. હવે મારું આગળ BCAનો અભ્યાસ કરી સોફ્ટવેર-ડિઝાઇનર બનવાનું સપનું છે.

99.99 PR મેળવનાર ગોંડલની દેવાંગી દેવળિયાને સોફ્ટવેર-ડિઝાઇનર બનવું છે.
99.99 PR મેળવનાર ગોંડલની દેવાંગી દેવળિયાને સોફ્ટવેર-ડિઝાઇનર બનવું છે.

કેટરિંગનું કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR
રાજકોટમાં કેટરિંગનું કામ કરતા દિપકભાઈ દવેની પુત્રી રિયાએ બે વિષયમાં 100માંથી 100 અને એક વિષયમાં 99 માર્ક મેળવ્યા છે. રિયાને 99.99 PR મળ્યા છે. રિયાએ સ્ટેટેસ્ટિકમાં 100માંથી 100, એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. તો સેક્રેટરી પ્રેક્ટિસ વિષયમાં 100માંથી 99 માર્ક મેળવ્યા છે. રિયાએ 700માંથી 671 ગુણ મેળવ્યા છે. પુત્રીના ઝળહળતા પરિણામથી પરિવામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રિયા દવેએ 99.99 PR મેળવ્યા.
રિયા દવેએ 99.99 PR મેળવ્યા.

શિક્ષકોએ મને ખૂબ મદદ કરીઃ વંદિતા
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી વંદિતા જોશીએ 98.82 PR મેળવ્યા છે. વંદિતાની કમનસીબી એ છે કે તે 90 ટકા સાંભળી શકતી નથી. કોરોનાના કપરા સમયમાં માસ્ક પહેરી શિક્ષકો તેને અભ્યાસ કરાવતા હતા, પરંતુ તે બરોબર સાંભળી શકતી નહોતી, આથી શિક્ષકોએ માસ્ક કઢાવીને માઇક પહેરાવીને શિક્ષણ આપ્યું હતું. શિક્ષકોની મહેનતને કારણે વંદિતાએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. વંદિતા જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોળકિયા સ્કૂલના શિક્ષકોએ ખૂબ મારી મદદ કરી છે. મને સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે.

અન્ય સમાચારો પણ છે...