સમસ્યા:ચેકિંગના નામે હેરાનગતિ, સોની વેપારીઓમાં રોષ, બંધની ચીમકી

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતાના નામે અધિકારીઓ આડેધડ રીતે માલ જપ્ત કરે છે
  • ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત મુદત સુધી બજાર બંધ કરાવાની તૈયારી

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતના નામે વિવિધ ટીમો મેદાને ઉતરી છે, અને રોકડ તથા મોટા પ્રમાણમાં મિલકતની હેરાફેરી પર ચેકિંગની તવાઇ ઉતારવામાં આવી છે, રાજકોટની સોની બજારમાં છાશવારે વિવિધ ટીમો દ્વારા ચેકિંગના નાટક થતાં વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અનેક રજૂઆત છતાં કોઇ ઉકેલ નહીં આવતા વેપારીઓએ બંધની તૈયારીઓ શરૂ કરી છે, જોકે તે પૂર્વે બુધવારે વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરશે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના ભાયાભાઇ સાહોલિયા, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના જગદીશભાઇ ઝીંઝુવાડિયા, મવડી ગોલ્ડ એસોસિએશન, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ તથા ઓલ ઇન્ડિયા ગોલ્ડ સ્મિથ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે, કોરોના બાદ ધીમેધીમે ધંધા-રોજગાર થાળે પડી રહ્યાં છે ત્યારે ચૂંટણી આવતા ચૂંટણીની આચારસહિતા લાગુ થવાથી સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ચેકિંગના નામે હેરાન કરવામાં આવે છે, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફ્લાઇંગ સ્ક્વોડ અને પોલીસની ટુકડીઓ છાશવારે વેપારીઓની દુકાનમાં આવીને તપાસ કરે છે

એટલું જ નહીં બહારગામથી દાગીના ખરીદવા આવતા લોકો અને વેપારીઓ ચેકિંગના નામે ખરીદી કરવા આવવાનું ટાળવા લાગ્યા છે જે કારણે 30 ટકા જેટલો જ ધંધો થઇ રહ્યો છે.આચારસંહિતના ચેકિંગના નામે થતી હેરાનગતિને કારણે સોના-ચાંદીના ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, થોડા દિવસ પૂર્વે આ મામલે પોલીસ કમિશનર અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ હકારાત્મક ઉકેલ આવ્યો નથી, બુધવારે સોની બજારના તમામ ધંધાર્થીઓ કલેક્ટરને રજૂઆત કરશે, અને જો યોગ્ય ઉકેલ તંત્ર દ્વારા આપવામાં આવશે નહીં તો સોની બજાર અનિશ્ચિત સમય સુધી બંધનું એલાન કરવાની તૈયારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...