સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી મહિલા, યુવતીઓના ખોટા એકાઉન્ટ બનાવી વિકૃત માનસિકતા ધરાવતા તત્ત્વો બદનામ કરવા પજવણી કરતા હોવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક યુવતી આવા વિકૃત માનસ ધરાવતા શખ્સનો ભોગ બનતા મામલો સાયબર ક્રાઇમ પોલીસમથકમાં પહોંચ્યો છે. મૂળ જૂનાગઢ પંથકની અને રાજકોટમાં રહી કોલેજનો અભ્યાસ પૂર્ણ કરનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હાલ તે રાજકોટમાં ફોટોસૂટ તેમજ મોડલિંગ કરી રહી છે.
મોબાઇલના માધ્યમથી સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હોય મોડેલિંગના ફોટા તેમજ પોતાના વીડિયો પોસ્ટ કરતી રહું છું. દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં પોતાના નામના એકાઉન્ટના ડીપીમાં તેના ફોટા સાથે બીભત્સ શબ્દોવાળુ લખાણ લખ્યું હોવા અંગેની ગત તા.18-4ના રોજ સહેલીએ જાણ કરી હતી. જેથી પોતે તપાસ કરતા કોઇએ ઇન્સ્ટાગ્રામમાં પોતાના નામનું ખોટું એકાઉન્ટ બનાવી પોતાના મોડેલિંગના ફોટાનો ઉપયોગ કરી ફોટા નીચે અભદ્ર લખાણ લખેલું જોવા મળ્યું હતું.
આમ સોશિયલ મીડિયામા ખોટું એકાઉન્ટ બનાવી પોતાને બદનામ કરતા બે દિવસ બાદ સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસમથકના પીઆઇ જે.એમ.વાઘેલા સહિતના સ્ટાફે ખોટું એકાઉન્ટ બનાવી યુવતીને માનસિક પરેશાન કરનાર શખ્સની ઓળખ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પાસે માહિતી માગી હતી. જેના પ્રત્યુત્તરમાં યુવતીને જે બે મોબાઇલ નંબર પરથી સોશિયલ મીડિયામાં પરેશાન કરવામાં આવતો હતો તે નંબરની માહિતી ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મે પોલીસને આપી હતી.
પોલીસે તે નંબર પર તપાસ કરતા બંને મોબાઇલ નંબર વાંકાનેરના અમરસર ગામે મિલ સોસાયટીમાં રહેતો રવિરાજ વનરાજસિંહ જાડેજા નામનો શખ્સ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તુરંત પોલીસ ટીમ અમરસર દોડી જઇ કોલેજિયન યુવતીને બદનામ કરવા પજવણી કરનાર રવિરાજને સકંજામાં લીધો હતો. પૂછપરછમાં ખોટું એકાઉન્ટ બનાવ્યાની કબૂલાત આપતા પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.