મહાપ્રસાદ સહિતનાં આયોજનો:મંદિરોમાં આજે ચિત્રાનક્ષત્રમાં થશે હનુમાન જન્મોત્સવની ઉજવણી, શનિવારે હનુમાન જયંતીનો સંયોગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની શેરી-ગલીમાં આવેલી દેરીથી લઈને સારંગપુર હનુમાન મંદિર સુધી આજે આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતીએ આજે સવારે 8.40 કલાકથી ચિત્રાનક્ષત્ર બેસી જશે. આ ઉપરાંત શનિવારનો સંયોગ હોવાને લીધે ભાવિકોમાં હનુમાન જન્મોત્સવ ઉજવવાનો ઉત્સાહ બેવડાયો છે. ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતીની ઉજવણી ઉત્તમ માનવામાં આવે છે.

શહેરના તમામ હનુમાન મંદિરમાં આજે વહેલી સવારથી પૂજન-અર્ચન, મહાઆરતી, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બપોરે મહાપ્રસાદ, બટુકભોજન સહિતના અનેકવિધ આયોજનો થયા છે. હનુમાન જયંતીની ઉજવણી માટે શહેરના મોટા હનુમાન મંદિરોમાં રોશનીનો શણગાર કરાયો છે. હનુમાનજીને આકર્ષક અને અલૌકિક શણગાર પણ કરવામાં આવશે. આ વર્ષે કોરોનાના કેસ નહીં હોવાને કારણે શહેરમાં મોટા હનુમાન મંદિરોમાં પણ મોટી સંખ્યામાં હનુમાનભક્તો ઉમટી પડશે અને દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો પણ લાભ લેશે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં જ થયો હતો. અને આ વર્ષે પણ ચિત્રાનક્ષત્ર અને શનિવારનો સંયોગ હોવાથી હનુમાન જયંતી વધારે ઉત્તમ ગણાશે.

આટલી જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
કરણસિંહજી સ્કૂલમાં બાલાજી હનુમાન મંદિરે દાદાને આજે એક હજાર કિલો ફૂલની પાંદડીનો અભિષેક કરાશે. આખો દિવસ યજ્ઞ, હનુમાનચાલીસા પાઠ, અન્નકૂટ થશે. કપિલા હનુમાનજી ચૈતન્યધામમાં મારુતિયજ્ઞ થશે. સાત હનુમાન મંદિરે ભજન-કીર્તન-સંતવાણી અને મહાપ્રસાદ યોજાશે. વિજયપ્લોટમાં સૂર્યમુખી હનુમાન મંદિરે મહાઆરતી, મોહનધામ ત્રંબા આશ્રમે 108 હનુમાનચાલીસા, મોજીલા હનુમાન મંદિરે મહાઆરતી અને બટુકભોજન થશે. કોટેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જન્મોત્સવ મનાવાશે.

અન્ય સમાચારો પણ છે...