તાઉ-તે વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યું છે. ત્યારે ઇન્ટરનેટના વળગણના યુગમાં પણ જ્યારે સુનામી, વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જાય અને ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર ઠપ થાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ લાગતા નથી તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક હોબી રૂપે સચવાય રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.
યુવાધનમાં હેમ રેડિયો એક અનોખો અનુભવ
રાજકોટમાં આ હોબી પ્રચલિત બનતા હેમ ઓપરેટરોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતની સૌથી નાની વયે આ માટેની પરીક્ષા પાસ કરનાર સાક્ષી વાગડિયા પણ રાજકોટની જ છે ત્યારે સોશિયલ સાઇટો પર માથું ખપાવવામાં સમય બગાડતા યુવાધનમાં હેમ રેડિયો એક અનોખો અનુભવ પુરવાર થઇ શકે.
હેમ રેડિયોની અગત્યતા શું છે
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું. ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી. ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. આ હોબી કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવો આવશ્યક છે.
લાયસન્સ લેવું જરૂરી છે
હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. રાજકોટમાં છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 47 લોકોને તાલીમ આપવામાં આવી હતી અને જે પૈકીના 42 લોકોએ આ પરીક્ષા પાસ કરી હતી.
હવે હેમ રેડિયો દ્વારા ઇ-મેઇલ અને ફોટોગ્રાફ પણ મોકલી શકાય છે
ગુજરાતનું એક માત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે. વિશિષ્ઠ હોબીના ભાગ રૂપે આ સ્ટેશન ઊભું કરનારા રાજેશ વાગડિયા કહે છે કે હવે ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સટ મેસેજિંગ શક્ય બન્યું છે. આ માટે તેમને બે હોમમેડ ઉપકરણો તૈયાર કર્યા છે જેના પગલે હવે હેમ રેડિયોના માધ્યમે ફોટોગ્રાફ અને ઇ-મેઇલ મોકલી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.