તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:સૌરાષ્ટ્રમાં સર્વત્ર અડધાથી 3 ઇંચ: 5 દી’ વરસાદની આગાહી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, જાફરાબાદમાં ફિશરિઝ હાર્બરમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું

સૌરાષ્ટ્રમાં આજે સર્વત્ર વાદળછાયા માહોલ વચ્ચે ઝાપટાંથી લઇને ત્રણેક ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. રાજકોટ શહેર જિલ્લામાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જામનગર જિલ્લામાં પણ ત્રણ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જસદણ, ધોરાજી, જેતપુર અને ગોંડલમાં દિવસભરના બફારા બાદ મોડી સાંજે વરસાદ તૂટી પડ્યો હતો.

જાફરાબાદ, વેરાવળ અને પોરબંદર ફિશરીઝ હાર્બર ખાતે 3 નંબરના સીગ્નલ લગાવાયા હતા. માંગરોળ 2.5 ઇંચ, વિસાવદર 2 ઇંચ, માળિયા હાટીના 1 ઇંચ, જૂનાગઢ, મેંદરડા અડધો ઇંચ, કોડીનારમાં 1 ઇંચ, ગિરગઢડા પા ઇંચ, તાલાલા પા ઇંચ, વેરાવળ પોણા બે ઇંચ અને સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ખાંભા 1.5 ઇંચ, ધારી 1 ઇંચ, વિજપડી 1 ઇંચ, લાઠી અડધો ઇંચ, લીલિયા, બાબરા અને વડિયા અડધો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ જયારે પોરબંદરમાં એક અને કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. લાલપુરમાં ત્રણ, દ્વારકામાં સવા, કલ્યાણપુર અને ખંભાળિયામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો.

ખેડૂતોને રાહત, સારા વરસાદથી મૂરઝાતી મોલાતને જીવતદાન
સૌરાષ્ટ્રના અનેક વિસ્તરોમાં વરસાદથી મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. વરસાદ વધુ ખેંચાયો હોત તો ખેડૂતોને ફેર વાવણી કરવાનો વારો આવે તેવી સ્થિતિ હતી, પરંતુ સારા વરસાદથી ખેડૂતોની અષાઢી બીજ સુધરી ગઈ છે.

વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પાણી ન મ‌ળવાને કારણે કેટલાક ખેડૂતોનું કપાસ, મગફળીનું બિયારણ પણ નિષ્ફળ ગયું હતું અને જો વરસાદ વધુ ખેંચાય તો મોટાભાગનો પાક ફેલ જવાની ભીતિ હતી. ત્યારે આ સંકટ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવતા મરવા વાંકે જીવતા પાકને જીવતદાન મળ્યું છે. સારા વરસાદથી મુખ્ય પાક કપાસ અને મગફળી બચી જતાં ખેડૂતોએ રાહત થઈ છે. બીજી તરફ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે.

સિંચાઈના ડેમોમાં પાણીની નવી આવક શરૂ, ખેડૂતોમાં હાશકારો
ગત બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે જે ખેડૂતો અને લોકોને ચિંતા સતાવતી હતી તેનો પણ અંત આવ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક સિંચાઈના ડેમોમાં પાણીની નવી આવક આવતા રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટના ઘણા ડેમો ખાલીખમ હોવાના કારણે સિંચાઈમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ સમયસર વરસાદ આવી જતા ઘણા પ્રશ્નોનું ત્વરિત નિવારણ આવ્યું છે.

રાજકોટ જિલ્લાના સિંચાઈના વેરી ડેમમાં હાલ 40 ટકા જેટલો ભરેલો છે. જ્યારે ફોફળ 12.95 ટકા, વાછપરી 8.92 ટકા, ન્યારી-2 23.97 ટકા, ફાળદંગ બેટી 13.65, ખોડાપીપર 16.60, લાલપરી 39.99, કર્ણુકી 27.2 ટકા ભરાયો છે. ત્યારે જે રીતે વરસાદ માટેની સ્થિતિ સાનુકૂળ જોવા મળી રહી છે તેને લઇ આગામી દિવસોમાં કોઈ અન્ય તકલીફનો સામનો ખેડૂતોએ નહિ કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...