રાજકોટમાં ધોધમાર વરસાદ:માધાપર, ગ્રીનલેન્ડ, ગોંડલ ચોકડી સહિત સમગ્ર શહેરમાં અડધી કલાક 1 ઇંચ વરસાદ, રામાપીર ચોકડીએ ગોઠણસમાં પાણી ભરાયા

3 મહિનો પહેલા
રામાપીર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા.

રાજકોટમાં આજે સવારથી બપોર સુધી ધૂંપ-છાવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઘટાટોપ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. જોકે સાંજના સમયે 5 વાગ્યા બાદ દે ધના ધન...વરસાદ શરૂ થયો હતો. શહેરના માધાપર, ગ્રીનલેન્ડ અને ગોંડલ ચોકડી સહિત સમગ્ર શહેરમાં અડધી કલાક ધોધમાર વરસાદ 1 ઇંચ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા

રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
રેલનગર, 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, મવડી ચોકડી, નાનામવા સર્કલ, કોટેચા ચોક, સદર બજાર, લીમડા ચોક, બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્કમાં પાણી ભરાયા હતા. બપોર પહેલા ઝરમર વરસાદ બાદ બપોર પછી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. આથી રસ્તાઓ પાણી પાણી થતા વાહનચાલકો પરેશાન બની રહ્યા છે.

150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા.
150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા.

હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ મામલે રાજ્યમાં હજી 3 દિવસ કોઈ જ રાહત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. ગુજરાતમાં હજુ ભારેથી અતિભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમિયાન અત્યંત ભારે વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

શીતલપાર્ક વિસ્તારમાં પાણી ભરાયા.
શીતલપાર્ક વિસ્તારમાં પાણી ભરાયા.

રાજકોટમાં 12 જુલાઈએ 12 કલાકમાં 12 ઇંચ ખાબક્યો હતો
રાજકોટમાં 12 જુલાઈએ 12 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી શહેર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં રેલનગર, પોપટપરા, જામનગર રોડ પરના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ માધાપર ચોકડીએ છાતીસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદમાં બાપાસીતારામ ચોકમાં કારો તણાઇ હતી તો રામનાથપરામાં નીચાણવાળા વિસ્તોરોમાં પાણી ભરાયા હતા.

રેસકોર્સ રિંગ રોડ ફરતે પાણી ભરાયા.
રેસકોર્સ રિંગ રોડ ફરતે પાણી ભરાયા.

ભાદર 2 ડેમના 4 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર 2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના 4 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી તથા ઉપલેટા તાલુકાના ડુમયાણી, ચીખલીયા, સમઢીયાળા,ભીમોરા, ગણોદ, ગાધા, ગંદોડ, હાથફોડી, ઈસરા કુંઢેચ, લાઠ, મેલી મજોઠી નિલાખા, તલગણા, અને ઉપલેટા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.