ધરપકડ:PSIએ આર્મીમેનની રાઇફલ આંચકી લીધી ન હોત તો વધુ લોથ ઢળી જાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં બુધવારે સરાજાહેર આતંક મચાવનાર ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. - Divya Bhaskar
રાજકોટમાં બુધવારે સરાજાહેર આતંક મચાવનાર ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
  • રાજકોટમાં સરાજાહેર આતંક મચાવનાર ત્રણેય આરોપીની ધરપકડ

શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીએ તેની પત્ની સાથે ચાલતી તકરારમાં તેના ફૌજી ભાઇ અને પિતાને બોલાવી આગમાં ઘી હોમ્યું હતું, ફૌજીએ જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક આડેધડ ફાયરિંગ કરતાં જીએસટીના એએસઆઇને ગોળી લાગતા તેમનું મોત નીપજ્યું હતું, બેફામ બનેલા ફૌજીએ એરપોર્ટની દીવાલ ઉપરાંત રેલનગરમાં બે સ્થળે ફાયરિંગ કર્યા હતા અને પોલીસે હિમ્મત પૂર્વક તેને ઝડપી લીધો હતો, જો પોલીસ મોડી પહોંચી હતો તો વધુ લોથ ઢળવાની દહેશત હતી.

ભોમેશ્વરમાં રહેતા ફાયરમેન અર્શિલ ખોખરે બુધવારે બપોરે તેની પત્ની સાનિયાને મારકૂટ કરી ઘરેથી કાઢી મૂકી હતી, રેલનગરના શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતી તેની માતાના ઘરે સાનિયા પહોંચી હતી જેની જાણ થતાં અર્શિલ ત્યાં ધસી ગયો હતો અને માથાકૂટ કરી તેના ફૌજી ભાઇ અઝિલ ખોખર તથા પિતા આરિફ ખોખરને બોલાવતા તે ત્યાં પહોંચ્યા હતા, ફૌજી અઝિલ પોતાની પરવાના વાળી અત્યાધુનિક રાઇફલ સાથે રેલનગર પહોંચ્યો હતો અને ત્યાં છ રાઉન્ડ ફાયર કરી ભયનું લખલખું ફેલાવી દીધું હતું, ત્યાં

ધમાલ કર્યા બાદ પિતા પુત્ર સહિતની ત્રિપુટી જામનગર રોડ પર એરપોર્ટની દીવાલ પાસે પહોંચી હતી અને ત્યાં સાનિયાના મામાની રિક્ષા રોકી ધમાલ શરૂ કરી હતી તે વખતે સાનિયાના મામી દિલશાદબેન સહિતના પહોંચ્યા હતા, તે વખતે જ ત્યાંથી પસાર થયેલા રેલનગરના શિવદૃષ્ટિ પાર્કમાં રહેતા અને સેન્ટ્રલ જીએસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં સુભાષભાઇ દાંતી (ઉ.વ.48) ઊભા રહ્યા હતા અને મહિલાઓને મારકૂટ કરી રહેલા તત્ત્વોને ટપાર્યા હતા, બેફામ બનેલા ફૌજી અઝિલે એએસઆઇ દાંતીને હટી જવાનું કહી ફરીથી ફાયરિંગ શરૂ કર્યું હતું અને ચાર રાઉન્ડ ત્યાં ફાયર કર્યા હતા જેમાં એક ગોળી સુભાષભાઇ દાંતીને ખૂંપી જતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

એએસઆઇની હત્યા કર્યા બાદ ફૌજી અઝિલ અને તેના ભાઇ તથા પિતા ફરીથી રેલનગરમાં પહોંચ્યા હતા અને ત્યાં ફરીથી એક મકાન પર ભડાકા શરૂ કર્યા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસની ટીમ રેલનગર પહોંચી હતી, સૌ પ્રથમ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.ડી.પટેલ પોતાની ટીમ સાથે દોડી ગયા હતા,

રાઇફલ સાથે ધમાલ કરી રહેલા ફૌજી અઝિલ ખોખરને જોતા જ પીએસઆઇ પટેલ તેની પાસે દોડી ગયા હતા અને ફૌજી પાસેથી રાઇફલ લેવા જતાં જ ફૌજી અઝિલે પીએસઆઇ પટેલ સાથે ઝપાઝપી શરૂ કરી હતી, પરંતુ પીએસઆઇ પટેલે હિમ્મત હાર્યા વગર પ્રતિકાર કરી ફૌજી પાસેથી રાઇફલ આંચકી લીધી હતી તે સાથે જ અન્ય પોલીસ કાફલાએ અઝિલ, અર્શિલ અને તેના પિતા આરિફને પકડી લીધા હતા.

સ્થળ પર હાજર લોકોએ થરથરતા કહ્યું હતું કે, આર્મીમેન અઝિલ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો, વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી, પોલીસ પર પણ ફૌજી ભડાકા કરે તેવી પૂરી સંભાવના હતી અને પોલીસે તેને પકડ્યો નહોત તો કદાચ વધુ કેટલીક લોથ પણ ઢળી ગઇ હોત. ઘટના અંગે પોલીસે મૃતક સુભાષભાઇ દાંતીના પુત્ર આશિષ દાંતીની ફરિયાદ પરથી ત્રિપુટી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુરુવારે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને શુક્રવારે ત્રણેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુભાષભાઇ છ બહેન અને ચાર ભાઇમાં સૌથી નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર આશિષ છે.

ફૌજી અઝિલ 55 દિવસની રજા પર અઠવાડિયા પૂર્વે જ આવ્યો’તો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અઝિલ ખોખર આર્મીમાં હાલમાં પુણે ખાતે ફરજ બજાવે છે અને 55 દિવસની રજા પર અઠવાડિયા પૂર્વે જ રાજકોટ આવ્યો હતો, અઝિલે ફાયરિંગ કરી તે રાઇફલનું લાઇસન્સ તેણે જમ્મુ કાશ્મીરમાંથી મેળવ્યું હતું અને હથિયાર પણ સાતેક વર્ષ પહેલા ત્યાંથી જ ખરીદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...