નિયમ સમાન કરવા માગ:યુનિવર્સિટીમાં અધિકારીઓ-પ્રોફેસરને ગુટલીની છૂટ, માત્ર કર્મચારીઓને જ હાજરી પૂરવાની !

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VCએ વર્ગ 1-2ના સ્ટાફને બાયોમેટ્રિક હાજરી પૂરવામાંથી મુક્તિ આપી

યુનિવર્સિટીએ તાજેતરમાં જ વર્ગ 1થી 4ના અધિકારી-કર્મચારી માટે ખાસ પરિપત્ર કરી તમામે નિયત સમયે ફરજ પર હાજર થવા જણાવ્યું હતું અને મહિનામાં ત્રણ વખત કોઈ કર્મચારી 10 મિનિટથી મોડા આવે તો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવનાર હોવાનું જણાવાયું છે, પરંતુ યુનિવર્સિટીમાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવી રહી હોય એમ માત્ર વર્ગ 3 અને 4ના કર્મચારીઓને સમયસર ઓફિસે આવવા જણાવાયું છે જ્યારે વર્ગ 1 અને 2ના અધિકારી-અધ્યાપકોને જાણે કુલપતિએ ગુટલી મારવાની છૂટ આપી હોય આ અધિકારી અને અધ્યાપકોને પંચિંગ કરવાની એટલે કે હાજરી પૂરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

કુલપતિના આ નિર્ણયથી અનેક અધિકારી અને અધ્યાપકો ગમે ત્યારે યુનિવર્સિટી કે ભવનમાં આવી રહ્યા છે અને ગમે ત્યારે જતા રહેતા હોવાની રાવ ઊઠી છે. યુનિવર્સિટીના વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં પણ કચવાટ ફેલાયો છે કે, નિયમો માત્ર નાના કર્મચારીઓ માટે જ બને છે જ્યારે અધિકારીઓને તમામ પ્રકારની છૂટ હોય છે.

ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ યુનિવર્સિટીએ જે પરિપત્ર કર્યો તેમાં પણ વર્ગ 1થી 4ના તમામ સ્ટાફને સમયસર આવવાનો ઉલ્લેખ કરાયો છે જ્યારે બીજી બાજુ ખુદ કુલપતિએ જ વર્ગ 1 અને 2 કે તેના સમકક્ષ સ્ટાફને છૂટછાટ આપી છે. પૂર્વ કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ દરેક બિલ્ડિંગ અને ભવનોમાં બાયોમેટ્રિક હાજરીના મશીન મુકાવ્યા હતા.

જેથી કર્મચારીથી લઈને અધિકારી સુધીના તમામ સમયસર ફરજ પર આવે, બાયોમેટ્રિકમાં હાજરી પૂરે અને શિસ્તતા જળવાય પરંતુ હાલ યુનિવર્સિટીમાં મોટાભાગના ભવનોમાં પ્રોફેસરો હાજરી પૂરતા નથી, રજિસ્ટરમાં ગમે ત્યારે પૂરી લે છે. નિયમ બધા માટે સમાન હોવો જોઈએ તેવી પણ એક માંગ ઊઠી છે.

મંગળવારે યુનિવર્સિટીના મહેકમ વિભાગે તમામ કર્મચારીઓ માટે ઓફિસે આવવાનો સમય નિર્ધારિત કર્યો છે, પરંતુ આ નિયમ માત્ર વર્ગ-3 અને 4ના જ કર્મચારીઓ માટે લાગુ પડતો હોય ઉપરી અધિકારીઓ અનિયમિતતા દાખવતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોવાની પણ રાવ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...