તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાઓને કાબૂમાં કરવા પ્રયાસ:સિંહોની જેમ હવે દીપડા પર પણ વન વિભાગની ચાંપતી નજર, હુમલો કરે એ પહેલાં જ પકડી લેવા ગળામાં રેડિયોકોલર પહેરાવ્યા

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • પાયલોટ પ્રોજેક્ટમાં પાંચ દીપડાનો સમાવેશ કરાયો
  • દીપડાઓ કેવા વિસ્તાર પસંદ કરે છે, કયા વિસ્તારોને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે એનો અભ્યાસ કર્યા બાદ એક્શન પ્લાન ઘડાશે

ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આદમખોર દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. દીપડો માનવભક્ષી બની રહ્યો છે, જેને કારણે ફોરેસ્ટ વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. જોકે સવાલ એ છે કે શા કારણે દીપડાઓ શહેરી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે અને કેમ માનવભક્ષી બની રહ્યા છે? આવા સવાલોના જવાબ માટે ફોરેસ્ટ વિભાગ પણ ચિંતિત છે અને દીપડો માનવભક્ષી ન બને એ માટે પ્રયત્નો કરી રહ્યા છે. દીપડો સંતાઈને શિકાર કરવામાં માહેર હોય છે, જેથી એ કયા વિસ્તારમાં છે એનું લોકેશન જાણવા વન વિભાગે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં પ્રથમ પાંચ દીપડાને રેડિયોકોલર પહેરાવવામાં આવ્યા છે.

ગીર ફોરેસ્ટના DCF(ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) મોહન રામના જણાવ્યા મુજબ, આ પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ વખત પાંચ દીપડાને રેડિયોકોલર નાખવામાં આવ્યા છે, જેના પરથી તેના લોકેશન સહિત તેની મૂવમેન્ટ પર નજર રાખી શકાશે.

અવરજવર અને જીવનશૈલી સહિતની બાબતો પર નજર
દીપડાને રેડિયો કોલર લગાવાથી તેની અવરજવર, જીવનશૈલી, આવાગમનનો સમય સહિતની બાબતો પર નજર રાખવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે રેડિયોકોલર દીપડાને લગાવાયા છે એ વિદેશથી આયાત કરાયા છે, એનો રંગ પણ દીપડા સાથે મળી જાય એવો છે. રેડિયોકોલરથી મળતી માહિતી ખાસ કરીને વન્યપ્રાણીઓના માનવ સાથેના ઘર્ષણને નિવારવામાં ઉપયોગી બને છે.

દીપડાનું નામ સામે આવે એટલે તરત જ છળકપટ અને લુચ્ચા પ્રાણી તરીકેની પ્રકૃતિ સામે આવે, તેમાં પણ છેલ્લા ઘણા સમયથી દીપડાઓ શહેરી વિસ્તારોમાં આવતાં અને માનવભક્ષી બનતાં ફોરેસ્ટ વિભાગ અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. આ અંગે કયાં કારણો છે એની વાત કરતાં પહેલાં થોડા સમયમાં દીપડાએ કરેલા માનવીને પહોંચાડેલા નુકસાનની વાત કરીએ.

માનવભક્ષી દીપડાનો ભોગ બનેલા લોકોના કિસ્સા

કિસ્સો-1: મહુવામાં કપાસ વીણતી મહિલાનું દીપડાના હુમલાથી મોત થયું હતું
બે મહિના પહેલાં ગોપનાથ-રાજપરાના વતની અને મહુવા તાલુકાના કસાણ ગામે કપાસ વીણવાની મજૂરીએ આવેલાં આરતીબેન શામજીભાઇ મકવાણા (ઉં.વ.20) વાડીમા મોડી સાંજે 7-00 વાગ્યે કપાસ વીણવાનું કામ કરી રહ્યાં હતાં. એ વખતે અચાનક આવી ચડેલા દીપડાએ તેમની પર હુમલો કરતાં અને ગંભીર ઇજા પહોંચતાં મહુવાની હોસ્પિટલમા ખસેડવામા આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. આ વિસ્તારમાં અવારનવાર દીપડા હુમલા કર્યા કરે છે.

કિસ્સો-2: દીપડો વાડીમાંથી બાળકને ઢસડી ગયો
ત્રણ મહિના પહેલાં ધારી ગીર પૂર્વની પાણિયા રેન્જમાં આવેલા ભગીરથભાઈની વાડીમાં પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ દીપડાએ તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને ગળેથી પકડ્યો હતો, જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ દીપડો તેને ઢસડીને દૂર લઈ ગયો હતો. બાળકના પરિવારને બાળકનો પત્તો શોધી રહ્યા હતા. ત્યારે નદીકિનારે બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી લીધી હતી, પરંતુ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ બાળકનું મોત થયું હતું.

કિસ્સો-3: દલખાણિયા રેન્જમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા
20 દિવસ પહેલાં ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં આવતા અમૃતપુર ગામની નજીક એક વાડી વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ગામના જ રહેવાસી એવી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ મળતાં ગ્રામજનો વાડી વિસ્તારમાં એકઠા થયા હતા. ગ્રામજનોએ બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ આ વિસ્તારમાં અવારનવાર દીપડાના હુમલા થવા છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાની ફરિયાદો કરી હતી.

વર્તનના રિપોર્ટના આધારે ક્યાં રાખવો એનો નિર્ણય
આ ઉપરાંત રાજકોટના ગોંડલથી લઈને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં પણ આદમખોર દીપડા પહોંચી રહ્યા છે. આવા દીપડાઓને ફોરેસ્ટ વિભાગ પાંજરે પૂરે છે અને તેની મેડિકલ તપાસ કરે છે. જો તેમાં તેના વર્તનને લઈને કોઈ રિપોર્ટ આવે તો જેલની સજાની જેમ સરકારની ગાઈડલાઇન પ્રમાણે દેવળીયા પાર્ક અને અન્ય સ્થળે પાંજરે પૂરવામાં આવે છે. દીપડાના આ પ્રકારના વર્તનથી ફોરેસ્ટ વિભાગે પણ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં સિંહોની જેમ હવે દીપડાને પણ રેડિયોકોલર પહેરાવવામાં આવ્યું છે, પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પાંચ દીપડાઓને રેડિયોકોલર લગાડવામાં આવ્યા છે.

આ દીપડાઓ કેવા વિસ્તારોને પસંદ કરે છે, ક્યા વિસ્તારોને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે અને તેમનું વર્તન કયા પ્રકારનું છે અને તેની ટેરેટરી કઈ છે તેનો અભ્યાસ કરવામાં આવશે. જેના આધારે એકશન પ્લાન નક્કી કરાશે.

જો કે દીપડાઓ આ પ્રકારનું વર્તન અને શહેરી વિસ્તારો સુધી કઈ રીતે પહોંચ્યા તે જાણવું પણ એટલું જ જરૂરી છે. ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે કેટલાક એવા કારણો છે જેના કારણે દીપડાઓનો માણસ સાથે સીધો સંધર્ષ થઇ રહ્યો છે અને તે રેવન્યૂ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે.

ખેડૂતોની પાક લેવાની પેટર્ન બદલાય
ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે ખેડૂતો સામાન્ય રીતે ઓછી ઉંચાઈવાળા પાકનું વાવેતર કરતા હતા. જો કે હવે તેઓ શેરડી, કપાસ જેવા પાકનું વાવેતર કરે છે જે દીપડાને છૂપાવા માટે શ્રેષ્ઠ છે. સિંહની જેમ દીપડાનો કોઈ વિસ્તાર નક્કી નથી, માટે શિકારની શોધમાં તે ગમે ત્યાં જઈ શકે છે અને એટલા માટે વાડી વિસ્તારમાં છૂપાય જાય છે.પરિણામે જ્યારે પણ ખેડૂત ખેતરમાં જાય અને તેનું ધ્યાન ન રહે તો તેના પર હુમલો કરે છે. ફોરેસ્ટ વિભાગ ખેડૂતોને અપીલ કરે છે ફોરેસ્ટ વિસ્તાર નજીક આવેલા ખેતરોમાં વહેલી સવાર અને સાંજના સમયે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

બહારના વિસ્તારોમાંથી આવતા ખેડૂતો સાથે સંઘર્ષ
કેટલાક વિસ્તારોમાં ગીર સાથે જોડાયેલા ખેડૂતો પોતાના ખેતીકામ માટે દાહોદ ગોઘરા અને બહારના રાજ્યોના મજૂરોને સોંપી દે છે પરિણામે આવા ખેતમજૂરો દીપડાની પ્રકૃતિથી વાકેફ નથી. એટલું જ નહિં પોતાના બાળકોને પણ તેઓ ખેતરમાં એકલા મૂકી દેતા હોય છે પરિણામે જ્યારે દીપડો ખેતર વિસ્તારમાં આવે ત્યારે શું કરવું તેની જાણ ન હોવાથી ખેડૂત અને દીપડા વચ્ચે સંધર્ષ થાય છે અને તેનું પરિણામ દુઃખદ આવે છે.

શહેરી વિસ્તારોમાં નોનવેજની ગંદકી તરફ આકર્ષણ
દીપડો ખોરાકની શોધમાં કંઇપણ કરી શકે છે અને સહેલાઇથી ખોરાક મળે તે માટે કોઇપણ સ્થળે જઇ શકે છે. શહેરી વિસ્તારોમાં ડમ્પિગ સાઇટ પર મરેલા પશુઓનું ડમ્પિગ થવાથી અને નોનવેજનો કચરો હોવાથી દીપડો આકર્ષાય છે અને તે ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં આવવા પ્રેરાઇ છે પરિણામે સંધર્ષ થાય છે.

સિંહ અને દીપડાની પ્રકૃતિ ખૂબ જ અલગ છે
સિંહ ભાગ્યે જ માનવીઓ પર હુમલો કરે છે જ્યારે દીપડો ખૂબ જ લુચ્ચુ પ્રાણી છે અને તે હુમલો કરતા જરા પણ અચકાતું નથી. એટલું જ નહિં છેલ્લા વર્ષોમાં દીપડાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2017માં દીપડાની સંખ્યા 1300 હતી તે આજે વધીને 1700 સુધી પહોંચી છે. વળી દીપડાની પ્રકૃતિ છે તે એકવાર માનવીનું લોહી ચાખી જાય પછી તે આદમખોર બની જાય છે ત્યારે માનવી અને દીપડાનો સંધર્ષ અટકાવવા માટે સિંહની જેમ દીપડાને પણ રેડિયોકોલરથી સજ્જ કરીને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, ત્યારે આ પ્રોજેક્ટના અભ્યાસમાં શું બહાર આવે છે અને ફોરેસ્ટ વિભાગ સંઘર્ષ અટકાવવા કેટલું સફળ રહે છે તે જોવાનું રહેશે.

હુમલો કર્યા બાદ ક્યો દીપડો હતો એને ઓળખવો મુશ્કેલ બને છે
જંગલ ખાતાનાં સૂત્રોમાંથી જાણવા મળે છે કે કોઇ ચોક્કસ વિસ્તારમાં દીપડો માનવ પર હુમલો કરે તો એ વિસ્તારમાં પાંજરાં મૂકી તેને શોધવામાં આવે છે. કોઇ દીપડો મળે તો તેના પર નક્કી કરવું મુશ્કેલ છે કે આ જ દીપડો છે. અમુક પરીક્ષણો હોય છે પરંતુ દરેક દીપડા પર એ થતાં હોતાં નથી. આમાં ઘણી વખત નિર્દોષ દીપડા પણ ભોગ બને એવું બનતું હોય છે. જોકે એની વર્તણૂક પરથી અંદાજ આવી જતો હોય છે.

2006માં ગુજરાતમાં દીપડાની સંખ્યા 1070 હતી
ગુજરાતમાં વર્ષ 2006માં 1070 દીપડા હોવાનું વન વિભાગે જાહેર કર્યું હતું. ત્યાર બાદ 2017માં આ આંકડો 1300થી વધુ સુધી પહોંચી ગયો હતો. જોકે વાઈલ્ડલાઈફ નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે કે હાલમાં 1700થી વધુ દીપડાઓ ગુજરાતમાં છે, તેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. એકાદ વર્ષમાં હવે ફરી દીપડાની ગણતરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દીપડાઓનો વસવાટ છે એક હજારથી વધુ દીપડાઓ આ ટેરટરીમાં હોવાનો અંદાજ છે. હવે તો રાજકોટનાં ગામડાં અને ગાંધીનગરના સચિવાયલ સુધી દીપડાઓ પહોંચી ગયા છે.

દેશમાં 12,852 દીપડાનો વસવાટ
દેશભરમાં દીપડાની સંખ્યા વધી છે. છેલ્લાં છ વર્ષમાં 60 ટકા સંખ્યા વધી છે. સ્ટેટસ ઓફ લેપર્ડ ઈન ઈન્ડિયા 2018નો અહેવાલ ભારત સરકારે 21 ડિસેમ્બર 2020માં જાહેર કર્યો એ મુજબ દેશમાં 12852 દીપડાની સંખ્યા છે. એમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 3421 ત્યાર બાદ કર્ણાટકમાં 1783 અને ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં 1690 દીપડા હોવાનું જાહેર કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો