સૂકા મેવામાં રોનક ખીલી:અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધરતાં ગુજરાતીઓને દિવાળી પહેલાં ‘દિવાળી’, ડ્રાયફ્રૂટમાં રૂ.50થી 300નો ભાવઘટાડો, 50% કોર્પોરેટ કંપનીના ઓર્ડર વધશે

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં ડ્રાયફ્રૂટના ભાવમાં ઘટાડો થતાં ઘરાકી નીકળી.
  • ઘરાકી વધતા ડ્રાયફ્રૂટનું વેચાણ કરતા વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો
  • રાજકોટમાં ડ્રાયફ્રૂટ અમેરિકા, અફઘાનિસ્તાન, આફ્રિકા અને બેંગલુરુથી આવે છે

ડ્રાયફ્રૂટ માટે હબ ગણાતા અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધરી રહી છે, આથી ડ્રાયફ્રૂટની આવક ધીમે ધીમે શરૂ થતાં ગુજરાતીઓ માટે દિવાળી પહેલાં જ દિવાળી આવી ગઇ હોય એવો માહોલ જામ્યો છે. સૂકા મેવાના ભાવમાં 50થી 300 રૂપિયાનો ઘટાડો થતાં ગુજરાતીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તેમજ ડ્રાયફ્રૂટનું વેચાણ કરતા વેપારીઓ પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. વેપારીઓની ધારણા મુજબ આ વર્ષે કોર્પોરેટ કંપનીના 50 ટકા ઓર્ડર વધે એવી શક્યતા છે.

રાજકોટની બજારોમાં ડ્રાયફ્રૂટની ઘરાકી વધી
દિવાળીના તહેવાર અને શિયાળામાં ડ્રાયફ્રૂટની ખરીદી સામાન્ય દિવસો કરતાં વધુ રહેતી હોય છે. ત્યારે અફઘાનિસ્તાનમાં વણસેલી તંગદિલીને લઇને ડ્રાયફ્રૂટ આવવાનું બંધ થઈ ગયું હતું, પરંતુ હવે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સામાન્ય બનતાં હવે ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.50થી લઇને રૂ.300 સુધીનો ભાવઘટાડો આવ્યો છે, આથી બજારમાં ઘરાકી વધી છે. ગત વર્ષે કોરોનાને કારણે ઘરાકી રહી નહોતી, આથી આર્થિક ફટકો પડ્યો હતો, જે આ વર્ષે ભરાય એવી શક્યતા છે.

ઘરાકી નીકળતાં વેપારીઓમાં પણ ખુશીનો માહોલ.
ઘરાકી નીકળતાં વેપારીઓમાં પણ ખુશીનો માહોલ.

સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જોવા મળ્યો
રાજકોટમાં ડ્રાયફ્રૂટનો વ્યવસાય કરતા નરેશભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે આ વખતે કોર્પોરેટ કંપની તરફથી સારા ઓર્ડર આવે એવી આશા છે. બેથી ત્રણ દિવસમાં હવે કોર્પોરેટ કંપનીના ઓર્ડર આવવાનું શરૂ થઈ જશે અને ગત વર્ષે કોરોનાને કારણે કોર્પોરેટ ઓર્ડર નહીંવત આવ્યા હતા, પરંતુ આ વર્ષ શરૂ થાય એવી શક્યતાઓ છે. આ વર્ષે શરદપૂનમ આવી ગઇ હોવા છતાં કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરની શરૂઆત થઇ નથી. સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જોવા મળ્યો છે તેમજ દિવાળી પછી હજુ ભાવઘટાડો જોવા મળે એવી સંભાવના છે.

કાજુના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી.
કાજુના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી.

કાજુના ભાવમાં કોઈ વધ-ઘટ થઈ નથી
રાજકોટમાં ડ્રાયફ્રૂટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રૂ.50 કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. રાજકોટમાં જે ડ્રાયફ્રૂટ આવે છે એ અમેરિકા, અફઘાનિસ્તાન, આફ્રિકા, બેંગલુરુથી આવે છે, જ્યારે કાજુના ભાવમાં કોઈ વધઘટ થઇ નથી. અફઘાનિસ્તાનથી આવતા ડ્રાયફ્રૂટ હવે નિયમિત રીત આવવા લાગ્યા છે. કોઈ તકલીફ પડતી નથી. શરદપૂનમ પછી કોર્પોરેટ કંપનીમાંથી ઓર્ડર ચાલુ થાય છે, આથી કાલથી ઓર્ડરો શરૂ થઈ જશે.

સૂકી દ્રાક્ષના ભાવમાં પણ ઘટાડો થયો.
સૂકી દ્રાક્ષના ભાવમાં પણ ઘટાડો થયો.
ડ્રાયફ્રૂટનો વ્યવસાય કરતા નરેશભાઈ પંજવાણી.
ડ્રાયફ્રૂટનો વ્યવસાય કરતા નરેશભાઈ પંજવાણી.
અન્ય સમાચારો પણ છે...