સમીક્ષા બેઠક:રાજકોટમાં ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડની બેઠક યોજાઈ, ચેરમેન ભંડેરીએ કહ્યું- વર્ષે રાજ્યની 8 મહાનગરપાલિકા, 156 નગરપાલિકાને 8 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે

રાજકોટ4 દિવસ પહેલા
રાજકોટમાં ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડની સમીક્ષા બેઠક યોજાઇ.
  • અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત 6 ઝોન

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બોર્ડનાં અધ્યક્ષ ડો.ધનસુખ ભંડેરીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ ઝોનની 30 નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રાન્ટનો ઉપયોગ ન કરનાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીને વહેલી તકે વિકાસ માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની ટકોર કરવામાં આવી હતી. આ અંગે ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે, ગુજરાતની 8 મહાનગરપાલિકા, 156 નગરપાલિકા ઓથોરિટીને બોર્ડ દ્વારા વર્ષભરમાં અંદાજે રૂ. 8,000 કરોડની ગ્રાન્ટ વિકાસકામો માટે ફાળવવામાં આવે છે.

આજે રાજકોટ ઝોનની બેઠક યોજી હતી
અમદાવાદ, ગાંધીનગર વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતનાં 6 ઝોન છે. આ દરેક ઝોનમાં 25થી 30 નગરપાલિકા આવતી હોય છે. જે પૈકી આજે રાજકોટ ઝોનની બેઠક યોજી હતી. બેઠકમાં હાલ ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ફાળવેલી ગ્રાન્ટ પૈકી કેટલી રકમ હાલ સુધીમાં વાપરવામાં આવી અને કેટલી બાકી છે તેની જાણકારી લેવામાં આવી છે. સાથે ફાળવવાયેલી ગ્રાન્ટનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રાજકોટ ઝોનની નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા.
રાજકોટ ઝોનની નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા.

8 હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો
ધનસુખ ભંડેરીએ સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનના 30 નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોમાં સર્વ સમાવેશક વિકાસ કાર્યો થાય તેમજ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાઓને પૂરતું ફંડ આપી રહી છે. વાર્ષિક રૂપિયા 8 હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે.

જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાર વલણ દાખવ્યું: ભંડેરી
આ તકે દરેક નગરપાલિકાઓને ધનસુખ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડ બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખ ભંડેરીએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાર વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ઘરદીઠ રૂપિયા 7000ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ 25 હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે.

રાજકોટ ઝોનની બેઠક યોજાઈ હતી.
રાજકોટ ઝોનની બેઠક યોજાઈ હતી.

વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે
આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ અ વર્ગની નગરપાલિકાને રૂપિયા 5 કરોડ, બ વર્ગને રૂપિયા 4 કરોડ, ક વર્ગને રૂપિયા 3 કરોડ અને ડ વર્ગને રૂપિયા 2 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં 38427 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ 8400 કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં 1329 કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને 14 અને 15માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...