સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે સરકાર દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. જોકે અન્ય સરકારી યોજનાઓની માફક મધ્યાહન ભોજન યોજનામાં પણ લોલમલોલ કામ ચાલી રહ્યું હોય તેમ આ યોજનાનાં કર્મચારીઓને ડિસેમ્બર 2022 થી આજદિન સુધી ચાર મહિનાનો પગાર પણ ચૂકવાયો નથી. એટલું જ નહીં બાળકો માટે અનાજનો પૂરતો જથ્થો પણ ફાળવવામાં આવતો નથી. ત્યારે આ મામલે ત્વરિત જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા CMને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી
મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ યોજનાના કર્મચારીઓને ડિસેમ્બરથી પગાર ચૂકવાયો નથી. આજ દિન સુધી અમુક જિલ્લામાં હજી સુધી અનાજ ફાળવવામાં આવેલ નથી. તેમજ સુખડી માટેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી નથી. આ ઉપરાંત કુકીંગ કોસ્ટનો ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2022થી વધારો કરેલ છે છતાં રાજ્ય સરકાર દ્વારા કુકીંગ કોસ્ટમાં હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી તેમજ લાભાર્થી વિદ્યાર્થીની સંખ્યા મુજબ અનાજનો જથ્થો અને સરકાર દ્વારા વેતન વધારો કરેલ છે તે મુજબ વેતન પણ મળતું નથી.
2500નું વેતન ચુકવવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા 1 થી 25 લાભાર્થીઓની સંખ્યા હોય તો સંચાલકને 3000 રસોયાને 1000, 25થી 100ની લાભાર્થીની સંખ્યા હોય તો સંચાલકને 3000 રસોયાને 2500 અને 100થી ઉપર લાભાર્થીની સંખ્યા હોય તો રસોયાને 2500 સંચાલકને 3000 આ મુજબ ચુકવવાનું ઠરાવ કરેલ છે. પરંતુ અમુક જિલ્લામા સરકારના ઠરાવનું ખોટુ અર્થઘટન કરી અમારા કર્મચારીને સૌથી વધુ સંખ્યા હોય તો મદદનીશને માત્ર 1000 રૂપિયા ચુકવવામા આવે છે. ત્યારે સરકારના ઠરાવ મુજબ 2500નું વેતન ચુકવવા અમારી માંગ છે.
ત્વરિત વધારો આપો
વધુમાં લેખિત કરેલ રજુઆતમાં આ સાથે જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ મધ્યાહન ભોજન યોજનામાં દર વર્ષે 7.5% કુકીંગ કોસ્ટમાં વધારો કરવા સૂચન કરેલ છે જે વર્ષ 2020 પછી આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી ત્વરિત વધારો કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.