મૂલ્યાંકન:ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી વધારે છે તેથી વિદ્યાર્થી રસાયણશાસ્ત્ર પસંદ કરે છે, મેથ્સમાં રાજ્ય નબળું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્ટિસ્ટ જે.જે.રાવલે ‘દિવ્ય ભાસ્કર’ માટે ધો.12 સાયન્સના પરિણામનું મૂલ્યાંકન કર્યું
  • ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા નહીં સુધારે ત્યાં સુધી બોર્ડના પરિણામ ગમે તેટલા સારા આવે તે માત્ર કસરત બની રહી જશે

ગુજરાત રાજ્યનું ધો.12 સાયન્સનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે જે સારું છે તેમ છતાં પરિણામ 75 ટકા આવવું જોઈતું હતું. હવે 12માં ધોરણના વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ કે પ્યોર સાયન્સ બીએસસી ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી, જીવવિજ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ કરશે. ગુજરાતમાં ફિઝિક્સ, મેથેમેટિક્સનો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ ખૂબ ઓછા છે જ્યારે કેમિસ્ટ્રી અને જીવવિજ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ વધુ છે.

ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી વધારે છે માટે વિદ્યાર્થીઓ રસાયણશાસ્ત્રને વધારે પસંદ કરે છે કારણ કે, નોકરીઓ મળી જાય છે. ગુજરાતમાં મારા જાણ્યા પ્રમાણે કેમિસ્ટ્રી વિષયના શિક્ષકો સારા છે, ફિઝિક્સ, મેથેમેટિક્સ વિષયમાં ગુજરાત નબળું લાગે છે પરંતુ ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં વિદ્યાથીઓએ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ગ્રાફ્સ, સ્ટેટેસ્ટિક્સ વગેરે પ્રાથમિક ગણિતશાસ્ત્ર ક્યાં નથી?

જીવવિજ્ઞાન શાસ્ત્રમાં પણ મોટા મોટા સંશોધનો કરવાની તકો છે, ફાર્મસીમાં પણ છે તેમ છતાં ભારતમાં મા-બાપ તેમના સંતાનોને એન્જિનિયરિંગ કે મેડિકલ લાઈન લે તે માટે ક્રેઝી હોય છે. તેથી શિક્ષકક્ષેત્રમાં ખરાબી ઘૂસી ગઈ છે. તેઓ પ્યોર સાયન્સનો કોર્સ નકામો માને છે. એ નોંધવું જોઈએ કે પ્યોર સાયન્સમાંથી મહાન વૈજ્ઞાનિકો જન્મ્યા છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં તરંગોનું જ્ઞાન તો હોવું જ જોઈએ. ગરમી, ઇલેક્ટ્રિક-મેગ્નેટિક ફિલ્ડ, અણુવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. અંતરીક્ષ વિજ્ઞાનમાં પણ ન્યુટોનિયમ ડાયનામિક્સ, દૂરબીન બનાવવા વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. આમ ટેક્નોલોજી પ્યોર સાયન્સ ઉપર નિર્ભર છે. ભારતમાં આજે પ્યોર સાયન્સ પાછું પડતું જાય છે અને તે ભવિષ્ય માટે ભારત પર આફત બનશે.

મેડિકલ શાખાના ઉપકરણો જેવા કે સ્ટેથોસ્કોપ, બ્લડ પ્રેશર માપવાના ઉપકરણો, ડાયાબિટીસ માપવાના ઉપકરણો, માઈક્રોસ્કોપ, ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ, થર્મોમીટર, એક્સ-રે મશીન, સીટી સ્કેન, સોનોગ્રાફી બધા જ ફિઝિક્સના નિયમો પર આધારિત છે. એન્જિનિયરિંગનું ગણિત અને ભૌતિકશાસ્ત્ર કાચું હોય તે નિષ્ણાત એન્જિનિયર બની શક્તો નથી. સેલ્ફ ફાઇનાન્સનો વિચાર તો ભારતમાં યુનિવર્સિટીઓ ઊભી કરવાનો હતો પરંતુ વેપાર મથકો ઊભા થઇ ગયા. ડીમ્ડ યુનિવર્સિટીઓ જેનું શિક્ષણ સ્તર જોઈએ તેવું નથી. ભારત સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ અહીં સુંદર-ઉત્કૃષ્ટ શિક્ષણનું અને નોકરીઓનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. એ સ્પષ્ટ છે કે ઉચ્ચતર શિક્ષણ સારું નથી, તેને સઘન બનાવવાની જરૂર છે નહીં તો બોર્ડના પરિણામો કસરત બની રહી જશે. { નિહિર પટેલ સાથે વાતચીત થયા મુજબ

અન્ય સમાચારો પણ છે...