લાંચિયો GST અધિકારી:કનારાના લોકરમાંથી 10 લાખના દાગીના મળી આવ્યા, ઇ-વે બિલ સાચા હોવા છતાં ધમકાવી લાંચ માગી હતી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના લોખંડના વેપારીને ઇ-વે બિલ ખોટા હોવાનું કહી બે ટ્રક ભરેલો માલ ડિટેન કરવાની ધમકી આપી જીએસટીના બે અધિકારી અને એક નિવૃત્ત અધિકારીએ વેપારી પાસેથી લાંચ માગી હતી અને રૂ.3.50 લાખની લાંચ લેતા વચેટિયો નિવૃત્ત અધિકારી રંગેહાથ ઝડપાઇ જતાં બે અધિકારીને પણ એસીબીની ટીમે પકડી લીધા હતા. ત્રણેયને રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે કરવામાં આવ્યા હતા. જીએસટીના ક્લાસ ટુ અધિકારી કનારાના બેંક લોકરમાંથી રૂ.10 લાખના સોના-ચાંદીના દાગીના મળી આવતા તે અંગે તેમજ ઇ-વે બિલ પર એસીબીએ તપાસ કેન્દ્રિત કરી હતી.

શહેરના લોખંડના વેપારીની બે ટ્રક રોકી જીએસટીના ક્લાસ ટુ અધિકારી વિક્રમ દેવરખી કનારા અને વેરા નિરીક્ષક અજય શિવશંકર મહેતાએ રૂ.8 લાખની લાંચની માંગ કરી હતી અને રકઝકના અંતે રૂ.4 લાખમાં સોદો નક્કી થયો હતો. લાંચની રકમ જીએસટીના નિવૃત્ત અધિકારી અને વચેટિયા મનસુખલાલ બચુ હિરપરા મારફત ઉઘરાવવાનું નક્કી થયું હતું. વેપારી પાસેથી લાંચના રૂ.50 હજારનો પ્રથમ હપ્તો લાંચિયાઓએ ઉઘરાવી લીધો હતો, ત્યારબાદ વેપારીએ એસીબીને જાણ કરતાં રાજકોટ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને રૂ.350 લાખની લાંચ લેતા વચેટિયા મનસુખલાલને રંગેહાથ ઝડપી લીધા બાદ જીએસટીના બંને અધિકારી કનારા અને મહેતાને પણ પકડી લીધા હતા. એસીબીની ટીમે ત્રણેયને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.

એસીબીની તપાસ દરમિયાન વિક્રમ કનારાના ઘરમાંથી રોકડા રૂ.7.28 લાખ મળી આવ્યા હતા તેમજ વિક્રમના બેંક લોકરમાંથી રૂ.10 લાખના સોના-ચાંદીના દાગીના મળી આવતા તે પણ કબજે કરી તે કેવી રીતે મેળવવામાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. શુક્રવારે રિમાન્ડ પૂરા થતાં ત્રણેયને જેલહવાલે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ ચલાવી રહેલા પીઆઇ રાણાએ જણાવ્યું હતું કે, ટ્રકમાં જે માલ લઇ જવાતો હતો તેના ઇ-વે બિલ હતા છતાં અધિકારીઓએ તે અટકાવી લાંચ માગી હતી, ઇ-વે બિલ અંગે પણ તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...