સૌરાષ્ટ્રના ખેડૂતોમાં નવો ટ્રેન્ડ:જમીન-માટી વિના જ 40 વર્ષ જૂની હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી વિવિધ શાકભાજી-ફળની ખેતી, આ પ્રકારની ખેતીથી 100 ટકા પોષકતત્વો મળે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતીની તસવીર - Divya Bhaskar
હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતીની તસવીર
  • આ પદ્ધતિથી ટમેટાં, સ્ટ્રોબેરી, રીંગણા, પાલક ઉગાડી શકાય છે

જમીન કે માટી વિના પણ શાકભાજી અને ફળ ઘેરબેઠા ઉગાડી શકાય છે. રાજકોટના એક ખાનગી સ્કૂલના શિક્ષકે નોકરી છોડી હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી માત્ર પાણીથી શાકભાજી અને ફળનું મબલખ ઉત્પાદન કરી આત્મનિર્ભર બન્યા છે. તેમણે જંતુનાશક દવાના નુકસાન અંગેનો આર્ટિકલ વાંચ્યો અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી શાકભાજી ઉગાડવાનો વિચાર આવ્યો, ખેડૂતે અગાશી ઉપર જ મોટી જગ્યામાં આ ટેક્નોલોજી ઊભી કરી મબલખ ઉત્પાદન કરી રહ્યા છે.

આ પદ્ધતિ 40 વર્ષ જૂની છે
લોકો પણ આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી અગાસી ઉપર જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકે છે. હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી વાવેતર કરવાથી જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ નવી નથી, પણ 40 વર્ષ જૂની છે. હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીની મદદથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણા, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલા, દૂધી, કાકડી, ફુદીનો, પાલક સહિતના અનેક શાકભાજી અને ફળનું વાવેતર કર્યું છે.

ઘરઆંગણે જ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાંકડી, ફુદીનો, પાલક સહિતની શાકભાજી ઉગાડી શકાય છે.
ઘરઆંગણે જ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાંકડી, ફુદીનો, પાલક સહિતની શાકભાજી ઉગાડી શકાય છે.

હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ શું છે?
હાઇડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ થાય છે, એટલે કે ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટનો નહિવત ખર્ચ થાય છે. આ પ્લાન્ટ ઘરની બાલ્કની અથવા તો અગાસીમાં કરી શકાય છે. આ પદ્ધતિનો ઇઝરાયલ, જર્મની, અમેરિકા અને ચીનમાં ઉપયોગ થઇ રહ્યો છે.

7 હજાર સ્ક્વેરફૂટમાં 12થી 13 લાખનો ખર્ચો કર્યો
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી રસિકભાઇએ બે પ્લાન્ટ તૈયાર કર્યા છે, જેમાં 5 હજાર સ્ક્વેરફૂટ અને 2 હજાર સ્ક્વેરફૂટ. આ બંને પ્લાન્ટમાં તેમણે ટોટલ 12થી 13 લાખનો ખર્ચ કર્યો છે. ત્રીજા પ્લાન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. 5 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં રોજ 100 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે અને 2 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં 70 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે.

માટીમાં તૈયાર થતી શાકભાજી કરતાં પોષકતત્ત્વો પણ વધારે હોવાનો દાવો કરાયો છે.
માટીમાં તૈયાર થતી શાકભાજી કરતાં પોષકતત્ત્વો પણ વધારે હોવાનો દાવો કરાયો છે.

6 લોકોને રોજગારી આપે છે
રસિકભાઇએ જણાવ્યું હતું કે મારી શાકભાજીનો ભાવ કિલોના 150 રૂપિયા છે. રોજના 200 ગ્રાહકો રેગ્યુલર છે, જેઓ મારી પાસેથી જ શાકભાજી ખરીદે છે, સાથોસાથ મે 6 લોકોને પગાર પર રાખ્યા છે અને તેને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છું. 2035 સુધીમાં 15 હજાર લોકોને રોજગારી આપવાનો મારો લક્ષ્યાંક છે. હું મારા પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન આપું છું અને લોકોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરું છું. મારી આ ખેતીમાં મારો પરિવારનો પણ મને ખૂબ જ સહયોગ મળી રહે છે.

શહેરી વિસ્તારોના રહીશો માટે નવો રાહ
રસિકભાઇએ ખેતીની જમીન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક તરફ શહેરી વિસ્તારોમાં ખેતરની જમીન બિનખેતી થઇ રહી છે. વળી, શહેરી વિસ્તારોમાં પોષકતત્ત્વોવાળું અને બિયારણના વપરાશ વગરની ઓર્ગેનિક શાકભાજી અને ફળ મળવા મુશ્કેલ હોય છે. ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવે તો ઓછા ખર્ચે, ઓછી જગ્યામાં અને ઓર્ગેનિક શાકભાજી મળી રહે છે. રસિકભાઇએ પોતાના ઘરેથી અપનાવેલી ખેતીની આ પરંપરા અન્ય ખેડૂતો અને શહેરી વિસ્તારોના રહિશો માટે નવો રાહ ચીંધનાર છે.

પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન અપાય છે.
પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન અપાય છે.

ખેતી કરવાનો નવો વિચાર
રસિકભાઇ પોતાને આ પદ્ધતિથી ખેતી કરવાનો કેવી રીતે વિચાર આવ્યો એ અંગે જણાવે છે કે મેં એક વખત ડીડીટી (જંતુનાશક દવા)નો પેપરમાં આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં લખ્યું હતું કે મગફળીનાં બિયારણ બગડે નહીં એ માટે ડીડીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં મગફળીના ફોતરા ગાયને ખવડાવવાથી એની અસર ગાયના બ્લડ અને દૂધમાં જોવા મળી હતી. આ દૂધ એક બાળકે પીતાં તેને કેન્સર થયું હતું. બાદમાં મેં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વગર કેવી રીતે શાકભાજી અને અન્ય પાકો લઇ શકાય એના વિશે સંશોધન ચાલુ કર્યું, જેમાં હાઇડ્રોપોનિક્સ વિશે મેં માહિતી મેળવી અને બસ પછી એમાં કામ આગળ વધાર્યું અને મને સફળતા મળી.

કોરોનામાં બેઝિલના પાકે રોગપ્રતિકારક શક્તિ વધારી
રસિકભાઇને પૂછવામાં આવ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તો તમે ક્યો પાક વાવ્યો છે જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે. તેમણે જણાવ્યું હતું કે કોરોનામાં મેં બેઝિલ પાક વાવ્યો છે. આ પાકના છોડ તુલસી જેવા હોય છે. આનું સેવન કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં શાકભાજી સિવાય અનાજ, મગફળી, ગાયનો ઘાસચારો સહિતના પાકો વાવી શકાય છે અને સારુંએવું ઉત્પાદન પણ લઇ શકાય છે. હાઇડ્રોપોનિક્સ એ ઓટોમેટિક સિસ્ટમ છે. મેં એગ્રિકલ્ચર લેવલના પીએચડીના વિદ્યાર્થીઓને પણ આ અંગે ગાઇડ કર્યા છે. એક વર્ષ વરસાદ આવે એ પાણીનો સ્ટોક કરવામાં આવે તો આગળના પાંચ વર્ષ સુધી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરી શકાય છે, કારણ કે એમાં 10 ટકા જ પાણીનો ઉપયોગ થાય છે.

ઓછી જગ્યામાં ઓર્ગેનિક શાકભાજી મળી રહે છે.
ઓછી જગ્યામાં ઓર્ગેનિક શાકભાજી મળી રહે છે.

હાલ બેક્ટેરિયાનું સંશોધન
રસિકભાઇએ જણાવ્યું હતું કે માટીની અંદર શાકભાજી ઊગે છે એનાથી અનેક રોગ ફેલાય છે, જ્યારે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી શાકભાજી ઉગાડવામાં આવે તો એકપણ રોગ થતો નથી તેમજ પૂરતાં પોષકતત્ત્વો પણ મળી રહે છે. હાલ હું એક એવા બેક્ટેરિયાનું સંશોધન કરી રહ્યો છું કે ટમેટાંમાં રોગ આવ્યાના 24 કલાક પહેલાં અલર્ટ મળી જાય. કૃષિને ઝડપથી આગળ લઇ જવાનું મારું સપનું છે. ગાયનો ઘાસચારો એક કિલોમાંથી 10 કિલો ઉત્પાદન થાય છે, એમાં 10 ગણા પ્રોટીન વિટામિન હોય છે. શાકભાજીમાં બાળકોને કેલ્શિયમની ખામી ન આવે તે પ્રકારે આ પદ્ધતિમાં પોષક તત્વ આપવામાં આવે છે. લોકો Onefarm.co.in નામની વેબસાઈટમાંથી પણ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ અંગે માહિતી મેળવી શકે છે.