તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું એરપોર્ટ ટેકઓફ તરફ:રાજકોટના હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના 3040 મીટરના રનવેનું કામ 46% પૂર્ણ, 250 ઇજનેર, ફેઝ-1નું કામ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ

રાજકોટ3 મહિનો પહેલા
  • હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ 1025 હેક્ટરમાં 1400 કરોડના ખર્ચે બનશે
  • ફેઝ-1નું ઓગસ્ટ 2022 સુધીમાં અને ફેઝ 2નું કામ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરાશે

ગુજરાતના સૌથી મોટા પ્રોજેક્ટની ગણતરીમાં રાજકોટ નજીક આકાર પામી રહેલા હીરાસર એરપોર્ટનું કામ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. આ એરપોર્ટ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે બની રહ્યું છે. રાજકોટ નજીકનું વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બનનારું ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે. રાજકોટના હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના 3040 મીટરના રનવેનું કામ 46% પૂર્ણ થઇ ગયું છે. 1025 હેક્ટરમાં 1400 કરોડના ખર્ચે એરપોર્ટ બનશે. આ એરપોર્ટ બનવવાની કામગીરીમાં 250 ઇજનરે અને 1300થી વધુ મેનપાવરથી પૂરઝડપે કામ ચાલી રહ્યું છે.

પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું
રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક 1025 હેક્ટરની જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું હતું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે, જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થશે. જ્યારે ટર્મિનલ બિલ્ડિંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે, જે ટૂંક સમયમાં શરૂ થશે અને ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેક્ટ લોંચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. કુલ 1400 કરોડનો પ્રોજેક્ટ સાકાર થવા જઇ રહ્યો છે.

બાઉન્ડરી વોલ.
બાઉન્ડરી વોલ.

સ્થાનિકોને રોજગારીની તક મળશે
કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને લીધે સ્થાનિકોની રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોની પરિવહન-મુસાફરી સેવાઓની ગુણવત્તા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને એ માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ રીતનો રનવે બની રહ્યો છે.
આ રીતનો રનવે બની રહ્યો છે.

કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું
આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલી કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે જણાવ્યું હતું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે ફેઝ-1નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે 2022ના વર્ષના અંત પહેલાં પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવશે. હાલ 3040 મીટરના સિંગલ રનવેની કામગીરી 46 ટકા થઈ ગઈ છે.

3040 મીટરનો રનવે બની રહ્યો છે.
3040 મીટરનો રનવે બની રહ્યો છે.

કોરોનાકાળમાં પણ આ કામગીરી અટકી નથી
કંપનીના સરવે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું હતું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા- ટેકરાવાળી હોવાથી અમારા માટે આ ઊબડખાબડ જમીનનું લેવલિંગ કરવાનું કાર્ય પડકારજનક હતું. કોઈક સ્થળે 12થી 14 મીટર જમીન ઊંચી-નીચી હોવાથી મોટે પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં પણ આ કામગીરી અટકી નથી.

100થી વધુ ડમ્પર અને અને હિટાચી મશીનથી જેટ ગતિએ કામ.
100થી વધુ ડમ્પર અને અને હિટાચી મશીનથી જેટ ગતિએ કામ.

ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું
પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ, 3040 લંબાઈના વન વેમાં 45 મીટર પહોળાઈ અને બંને છેડે 10 મીટરનો સોલ્ડર અંદાજે 60 મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા-ઊતરવા માટેની જગ્યા)ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર 354 બાય 152 મીટર રહેશે. પેરેલલ ટેક્સી-ટ્રેક ત્રણ લિન્કથી જોડાયેલો છે, જેનું કામ પણ 90 ટકા પૂર્ણ થયું છે, જ્યારે ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.

ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.
ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.

એરપોર્ટ મથકની ફરતે બાઉન્ડરી વોલ 27 કિ.મી.ની રહેશે
એરપોર્ટ મથકની ફરતે બાઉન્ડરી વોલ 27 કિ.મી.ની રહેશે, જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલાં ઓપરેશન વોલ પણ અંદાજે 11થી 14 કિલોમીટરની રહેશે, જ્યાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઊભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિકમુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યું છે.
સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યું છે.

100થી વધુ ડમ્પર અને 250થી વધુ ડ્રાઇવર કામ કરી રહ્યાં છે
હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં 250થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી 1300થી વધુ મેનપાવર તેમજ 100થી વધુ ડમ્પર અને 250થી વધુ ડ્રાઇવર કામ કરી રહ્યાં છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય એ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ પણ સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યા છે.

એરપોર્ટનો નકશો.
એરપોર્ટનો નકશો.

એરપોર્ટનું કામ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય એ માટે જિલ્લા પ્રસાશન કટિબદ્ધ
હીરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી હોય કે રાજ્ય સરકારની કચેરીઓ સંલગ્ન મંજૂરીઓ તેમજ અન્ય કામગીરીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને સહકાર સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજકોટના કલેક્ટરે અંતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલા ગુજરાતના મોટા પ્રોજેક્ટ પૈકીના એક એવા હીરાસર એરપોર્ટના નિર્માણની કામગીરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન અને જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી અને આ એરપોર્ટનું કામ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય એ માટે જિલ્લા પ્રશાસન કટિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...