અનરાધાર:ગોંડલના લીલાખામાં 1 કલાકમાં 4 અને મસીતળામાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ, ખોડિયાર ડેમ ઓવરફ્લો, ખંભાલીડાને જોડતો મુખ્ય માર્ગ બંધ

ગોંડલ3 મહિનો પહેલા
સ્થાનિક નદીમાં ઘાડાપૂર.
  • નવાગામ, વારસડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લામાં આજે પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે. બપોર બાદ ગોંડલના લીલાખા ગામમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયું છે. ગામની અમર નદીમાં ઘાડાપૂર આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા. ગોંડલના મસીતળા ગામમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. મસીતળાથી ભંડારીયા અને ખંભાલીડાને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

નદી-નાળા બે કાંઠે વહ્યા
ગોંડલ પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર બાદ લીલાખા, નવાગામ, વારસડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં નદી-નાળા છલકાય ગયા છે.

મસીતળા ગામમાં ધોધમાર વરસાદ.
મસીતળા ગામમાં ધોધમાર વરસાદ.

ગોંડલમાં સવારે બે ઇંચ વરસાદ પડ્યો હતો
આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગોંડલનાં રાજમાર્ગો પાણી પાણી થયા હતા. ગોંડલમાં આજે સવારે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા હતા તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં કેડ સમાં પાણી ભરાયા હતા.

ખંભાલીડાને જોડતો માર્ગ બંધ.
ખંભાલીડાને જોડતો માર્ગ બંધ.

વોરાકોટડા ગામનાં બેઠા પુલ પર 8 ફૂટ સુધી પાણી
ગોંડલથી પાંચ કિમી દૂર આવેલું વોરાકોટડા ગામ નદી પરનાં બેઠાં પુલ પર આઠ ફૂટ પાણી વહેતા હોય છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. વોરાકોટડાથી ગોંડલ પંહોચવા ગોંડલી નદી પરનો 200 મીટર લાંબો બેઠો પુલ પસાર કરવો પડે. પરંતુ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હોય પુલ પરથી આઠ ફૂટ પાણી વહેતું હોય વાહન વ્યવહાર અટકી ગયો છે.

લીલાખા ગામ પાણી પાણી.
લીલાખા ગામ પાણી પાણી.

અત્યાર સુધીમાં પુલ પરથી 15 જેટલા લોકો તણાયા છે
વોરાકોટડાથી બાંદરા થઇ ગોંડલ પહોંચી શકાય પણ આ ગાડા માર્ગ હોય વરસાદનાં પાણી ભરાયા છે. આથી લોકો પરેશાન બન્યાં છે. બાંદરા જવાં નવો માર્ગ તંત્ર દ્વારા મંજૂર થઇ ગયો છે. વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. છતાં માર્ગ બનાવવામાં ઠાગાઠૈયા થઇ રહ્યાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. વોરાકોટડાનાં આગેવાન ભાવેશભાઇ ભાષાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં બેઠા પુલ પરથી પંદર જેટલાં વ્યક્તિએ પાણીમાં તણાઇને જીવ ગુમાવ્યાં છે.

પાણીનો પ્રચંડ પ્રવાહ.
પાણીનો પ્રચંડ પ્રવાહ.

પુલ બનાવવા અનેકવાર રજુઆત કરી
નદીમાં ગોંડલ, કંટોલીયા, વાસાવડ સહિતનું પાણી આવતું હોય વોરાકોટડાનાં બેઠા પુલ પરથી પાણી ભયજનક રીતે વહેતું હોય દર ચોમાસામાં જીવલેણ અકસ્માતની ભીતી સર્જાય છે. આ જોખમી બેઠાં પુલ પર મોટો પુલ બનાવવાં અનેક રજુઆતો કરાઇ છે. પણ નિંભર તંત્ર દાદ આપતું નથી. જેને કારણે વોરાકોટડા સંપર્ક વિહોણું બની જાય છે. હાલ છેલ્લા બે દિવસથી બેઠા પુલ પર પાણીને કારણે અવર જવર બંધ હોય લોકો પરેશાન બન્યાં છે. આવાં સંજોગોમાં જો કોઈ બિમાર પડે તો હોસ્પિટલે કંઇ રીતે પંહોચતા કરવાં એ સવાલ છે.

(દેવાંગ ભોજાણી-હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...