ભાસ્કર વિશેષ:લાલચુ સાસરિયાં - બે-બે દીકરી જણી, આનું પૂરું કોણ પાડશે, ‘તારા માવતરથી દહેજ લઇ આવ’

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૌત્રની લાલસામાં સાસુએ પુત્રવધૂને કડવા વેણ કહી મેણાં માર્યા
  • અન્ય બનાવમાં છૂટાછેડા બાદ કોર્ટ સમક્ષ ફરી લગ્ન કરનાર પરિણીતાને ત્રાસ

દીકરી વહાલનો દરિયો, દીકરી બે કુળને તારે, આવી વાતો જાણે બોલવામાં જ સારી લાગે છે. કારણ કે જ્યારે પુત્રવધૂ દીકરીઓને જન્મ આપે ત્યારે પૌત્રની લાલસામાં સાસરિયાઓ પુત્રવધૂને યેનકેન પ્રકારે ત્રાસ આપતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ બનાવમાં બે-બે દીકરીને જન્મ આપનાર પુત્રવધૂને સાસુએ બે-બે દીકરીને જણી છે, આનું કોણ બધું પૂરું પાડશે, અમારી તેવડ નથી, આનું પાલન કરવા તું તારા બાના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી, તો હવે બે દીકરીઓ છે તો થોડું ઘણું તો લાવવું જ પડશેને તેમ કહી દહેજની માગણી કરી ત્રાસ આપ્યાની ફરિયાદ પુત્રવધૂએ નોંધાવી છે.

ગોવિંદનગર-2માં ત્રણ મહિનાથી બે દીકરીઓ સાથે માવતરે રહેતી શિલ્પા નામની પરિણીતાએ સોરઠિયાવાડી સર્કલ પાસેના ગુલાબનગરમાં રહેતા પતિ સંજય મનસુખભાઇ ઢોલરિયા, સાસુ પાર્વતીબેન, જેઠ ઉમેશભાઇ, જેઠાણી ભાવનાબેન સામે ફરિયાદ કરી છે. 14 વર્ષ પૂર્વે સંજય સાથે લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે દીકરીના જન્મ થતા સાસુએ તો મેણાં મારી ત્રાસ આપ્યો જ છે. સાથે સાથે જેઠ-જેઠાણી, પતિ પણ પોતાને યેનકેન પ્રકારે ત્રાસ આપી કાઢી મુકવાની ચીમકીઓ આપતા રહેતા હતા.

આ સમયે પતિને અન્ય મહિલા સાથે વાત કરતા જોઇ ગયા બાદ તેના મોબાઇલમાં બંને સાથેના ફોટા જોયા હતા. જોકે પતિ શરૂઆતમાં એવું કંઇ નહિ હોવાનું કહેતા હતા. બાદમાં પતિએ પોતાનાથી ભૂલ થઇ હોવાનું અને હવે આવું નહિ કરું તેમ કહ્યું હતું. તેમ છતાં પતિમાં કોઇ બદલાવ નહીં આવતા પોતે માવતર આવી ગઇ હતી અને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય બનાવમાં ઢેબર રોડ, ધારેશ્વર સોસાયટી-1માં માવતરે રહેતી પારૂલ નામની પરિણીતાએ કોલીથડ ગામે રહેતા પતિ કાર્તિક, સસરા દિનેશભાઇ વિરજીભાઇ ધવા, સાસુ દયાબેન, જેઠ મહેશભાઇ, જેઠાણી સ્વાતિબેન સામે સામાન્ય બાબતોએ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જુલાઇ, 2010માં પ્રેમલગ્ન કર્યા હતા. પાંચ મહિના બાદ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધાના છ મહિના પછી સમાધાન કરી કોર્ટ સમક્ષ ફરી લગ્ન કર્યા હતા. જેનું સાસરિયાઓને સારું નહિ લાગતા ત્રાસ આપતા હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...