હડતાળ:ગ્રામપંચાયતોના VCEની 11મીથી હડતાળ, ગામડાંમાં વહીવટ ખોરવાશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના 550 સહિત 11000 ઓપરેટર જોડાશે
  • ​​​​​​​બે વર્ષ બાદ પ્રશ્નો ન ઉકેલાતા ફરી આંદોલન

સરકારની યોજનાઓ ગામડાંઓ સુધી પહોંચાડવામાં જેની મહત્ત્વની ભૂમિકા છે તેવા વિલેજ કમ્પ્યૂટર ઓપરેટર (વીસીઇ) તેની 16 વર્ષ અગાઉની માગણીઓ હજુ પણ ન ઉકેલાતા તેમજ સરકાર માત્રને માત્ર ખાતરીઓ આપી રહી હોવાના આક્ષેપ સાથે આગામી તા.11મી મેથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. રાજકોટના અંદાજિત 550થી વધુ તેમજ રાજ્યના અંદાજિત 11,000થી વધુ વીસીઇ હડતાળમાં જોડાવાના હોઇ, ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહીવટી કામગીરી ખોરવાઇ જશે તેવી ભીતિ ઊભી થઇ છે.

રાજ્યમાં 11,000થી વધુ વીસીઇ ગ્રામપંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓની માગણી એવી છે કે, સરકાર તેને મામૂલી કમિશન આપે છે, તે પણ નિયમિત નથી મળતું ત્યારે તેઓને નિયત પગાર ધોરણ પર લેવા, જોબ સિક્યોરિટી આપવી તેમજ સરકારી લાભો આપવા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં આવી રહી છે. ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી, તેમ છતાં હજુ પ્રશ્નો ઉકેલાયા નથી.

જેથી આગામી તા.11મીથી આંદોલન છેડાશે, રાજ્યમાં એક પણ વીસીઇ કામગીરી નહીં કરે. તેની અસર એવી થશે કે, ગામડાંઓની ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાશે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, 7-12ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, ઇ-શ્રમ કામગીરી, ઇ-નિર્માણની કામગીરી સહિતના કાર્યો ખોરવાશે. સરકાર માગણીઓ ઝડપભેર ઉકેલે તેવી વીસીઇએ માગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...