ભાસ્કર ફોલોઅપ:શાપરમાં જનતા રેડ બાદ પ્રદૂષણ મામલે જીપીસીબીની તપાસ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેક્ટરીમાં તપાસ કરીને કામદારો અને સંચાલકોની કરાઈ પૂછપરછ
  • ન્યારી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી ફેલાયું છે પ્રદૂષણ

રાજકોટના શાપર ગામેથી પસાર થતી ન્યારી નદીમાં એસિડ અને કેમિકલવાળુ પાણી છોડાતું હોવાથી નદી પ્રદૂષિત થઈ હતી. પારડીના પશુપાલકોએ ગ્રામપંચાયત તેમજ પોલીસને સાથે રાખીને પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીમાં જનતા રેડ કરી હતી જેમાં હવે જીપીસીબીએ તપાસ હાથ ધરી છે.સિદ્ધિવિનાયક સ્ટીલ નામની ફેક્ટરીમાં દર સપ્તાહે કેમિકલયુક્ત પાણી રાત્રીના સમયે નદીમાં છોડવામાં આવતું હોવાની માહિતી પારડી ગ્રામપંચાયતને મળી હતી.

પંચાયતના હોદ્દેદારો તેમજ પશુપાલકોએ પોલીસને જાણ કરી હતી અને તેને સાથે રાખીને બુધવારે ફેક્ટરીમાં તપાસ કરી હતી જેમાં કર્મચારીઓએ પાણી નદીમાં છોડાતું હોવાની કબૂલાત કરી હતી. આ મામલા બાદ જીપીસીબી સુધી વાત પહોંચતા ગુરુવારે દીપક ડોડિયા સહિતની જીપીસીબીની ટીમ શાપર પહોંચી હતી અને નદીમાંથી સેમ્પલ લેવાયા બાદ શાપરની ફેક્ટરીમાં તપાસ કરી હતી. અહીં સ્ટીલ તેમજ અન્ય પ્રોડક્ટમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરાય છે અને તે પ્રદૂષિત પાણી જ્યાં એકઠું થાય છે તે સ્થળોની તપાસ કરી હતી તેમજ કર્મચારીઓ અને સંચાલકોની પણ પૂછપરછ કરી હતી.

આ મામલે ટૂંક સમયમાં રિપોર્ટ કરાશે તેવું જાણવા મળ્યું છે.પોલીસે તપાસ કરી ત્યારે ફેક્ટરીના કર્મચારીએ પણ કબુલ્યું હતું કે, કેમિકલયુક્ત પાણી તેમની ફેક્ટરીમાંથી છોડાયું છે. જો કે, હવે આ મુદ્ે જીપીસીબીએ તપાસ હાથ ધરી છે ત્યારે જવાબદાર સામે આકરી કાર્યવાહી થશે કે પછી માત્ર તપાસનું નાટક જ થશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે આકરા પગલા લેવાની માગી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...