ભાસ્કર ઇમ્પેકટ:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર ક્લાસ-2 અધિકારીની સરકારે પોરબંદર બદલી કરી

રાજકોટ2 મહિનો પહેલા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા ક્લાસ-2 અધિકારી છે અને તેમનો વાર્ષિક 18 લાખ પગાર છે છતાં કોઠા-કબાડા કરી પોતાના અને પરિવારજનોના નામે ગરીબોને મળતું આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું છે. ક્લાસ-2 અધિકારીના કારસ્તાનને બહાર લાવનાર સામાજિક કાર્યકર કિશન રાઠોડે આ અંગે રાજકોટ પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર દ્વારા 3 મહિના પૂર્વે વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે, જેને પગલે તંત્ર સફાળું જાગ્યું હોય એમ ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે અને હાલ હિતેન્દ્ર ઝાંખરિયાની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.

પત્નીનું MRI કરાવતાં ભાંડો ફૂટયો
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, કોઠારિયા રોડ મ્યુ.હડકો કવાર્ટર અરવિંદ મણિધારનગર શેરી નં.8માં રહેતા કિશનભાઈ કે.રાઠોડે રાજ્ય સરકાર તેમજ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને એક અરજી પાઠવી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર હિંમતલાલ ઝાંખરિયા કલાસ-ટુ અધિકારી હોવા છતાં ગરીબોને મળતી સવલતો મેળવવા પોતાની આવક ઓછી બતાવી પોતાનું તેમજ પત્ની ભાવનાબેન અને પુત્ર શ્રેયાંશના નામનું આયુષ્માન કાર્ડ કઢાવી લીધું હતું. કલાસ ટૂ અધિકારી હિતેન્દ્ર ઝાંખરિયાએ ગત તા.22-3-22ના રોજ પોતાની પત્ની ભાવનાબેનનું સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઈ. કરાવ્યું હતું, જેમાં પત્નીના નામનું આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે કૌભાંડનો ભાંડો ફૂટયો હતો.

હિતેન્દ્ર ઝાંખરિયાએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના નામનું આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું.
હિતેન્દ્ર ઝાંખરિયાએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના નામનું આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું.

કોઈ અજાણી વ્યક્તિની ટપાલથી ભાંડો ફૂટ્યો
આ અંગે કિશન રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ક્લાસ-2 ઓફિસરે કૌભાંડ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે. આ અંગેની ટપાલ મારા ઘરે કોઈ અજાણી વ્યકિત આવી આપી ગઈ હતી. આ સમયે હું હાજર નહોતો, પણ આ બાબતે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખબર પડી કે સરકારનો નિયમ છે કે જેની આવક વર્ષે 6 લાખ હોય અને સરકારીમાં વર્ગ 3ના કર્મચારી હોય તો તેને આ કાર્ડ મળવાપાત્ર હોય છે. સરકારની એક ઉત્તમ યોજનાનો ક્લાસ 2 અધિકારી દ્વારા દુરુપયોગ કરાયો કહેવાય.

સત્તા અને હોદ્દાનો દુુરુપયોગ કર્યો
સરકારની યોજના જરૂરિયાત ગરીબ, મધ્યમવર્ગ માટે બનાવવામાં આવી છે, જેમાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડ યોજનામાં ગરીબ, મધ્યમવર્ગના લોકો, જેની આવક ઓછી હોય તેવા લોકો આ સહાયનો લાભ લઈ શકે છે, પરંતુ ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટે પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી પોતાનું તેમજ પરિવારના નામનું આયુષ્માન કાર્ડ કઢાવી એનો ઉપયોગ પણ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જો કે હાલ સરકાર દ્વારા તેની બદલી કરવામાં આવી છે.