રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા હવે તો તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાઇ ગયું છે અને અર્ધો ઓગષ્ટ માસ પણ પસાર થઇ ગયો છે ત્યારે સિંચાઇ બાદ પીવાના પાણીના પણ નવા આયોજન કરવા પડે તેવા સંજોગો છે. ત્યારે RMC દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખી પાણી માટે માંગ કરવામાં આવી હતી. જેને પગલે 23 ઓગષ્ટ પછી આજીડેમમાં ફરી 150 MCFT નર્મદાનું પાણી ઠલવાશે.
ફરી સમીક્ષા બેઠક રાખવામાં આવેલ છે
ઉલ્લેખનીય છે કે આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેટલો જ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં વરસાદની આશાએ સૌની યોજનાનું પાણી લેવાનું બંધ કરાયા બાદ આવતા સપ્તાહથી તુરંત પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં તા.20 ઓગસ્ટના રોજ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરી સમીક્ષા બેઠક રાખવામાં આવેલ છે.
ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઇ નથી
રાજકોટમાં છેલ્લા સાતેક વર્ષનું આ સૌથી નબળુ ચોમાસુ આજની તારીખે ગણવામાં આવે છે. છેલ્લા વર્ષોથી ખુબ સારા વરસાદ અને ડેમો છલકાતા રહ્યા છે. પરંતુ આ વર્ષે તાઉ-તે વાવાઝોડાની અસર, તે બાદ છુટાછવાયા પડેલા વરસાદને બાદ કરતા ખરા ચોમાસા જેવો ભારે વરસાદ પડયો નથી. તે કારણે ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઇ નથી. શહેરના ત્રણે જળાશયોમાં ડેમોની સ્થિતિ છે તેમાં સૌની યોજનાનો મહત્વનો હિસ્સો છે.
સૌનીનું પાણી ફરી ઠલવવું પડશે
મનપાએ કરેલા વાર્ષિક આયોજન મુજબ રોજ જેટલું પાણી આજી ડેમમાંથી લેવામાં આવે છે તે ઉપાડ યથાવત રાખવા આવતા સપ્તાહથી સૌનીનું પાણી ફરી ઠલવવામાં આવશે. ગત વર્ષના આયોજન મુજબ હાલ તા.20 સુધીનો જળજથ્થો છે. તે બાદ પાણી તો મળતું જ રહેવાનું છે. પરંતુ તે સાથે વરસાદી પાણીની આવક ન થાય તો સૌની યોજનાનું પાણી ચાલુ કરી દેવું પડશે.
થોડા દિવસો પહેલા ચોમાસુ જામવાની આશા
થોડા દિવસો પહેલા ચોમાસુ જામવાની આશાએ આજી-1 ડેમ, ન્યારી-1 ડેમમાં સૌનીનું પાણી લેવાનું બંધ કરાયું હતું. જો રાબેતા મુજબ ડેમોમાં વરસાદી પાણીની આવક થાય તો ડેમ વહેલો છલકાય જાય અને પાણીનો બગાડ થવા સાથે વધુ પાણી ફેલાવાની પણ ચિંતા રહે છે. આ માટે આજી-1 ડેમમાં સૌનીનું પાણી બંધ કરી દેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.