ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય ગલિયારામાં જોરદાર ગરમાયો હતો. એ બાદ ચૂંટણીમાં ગોંડલ જૂથની જીત થયા બાદ પણ વિવાદ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે અને સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ રિપોર્ટને પગલે અનિરુદ્ઘસિંહનું હથિયાર લાઇસન્સ રદ થઈ શકે છે.
કેમ દુશ્મન બન્યા જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ?
ભાજપનો ગઢ અને હંમેશાં શાંત ગણાતી ગોંડલ બેઠક પર આ વખતે જ્વાળામુખી ફાટ્યા જેવી સ્થિતિ છે. આનું કારણ એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેનો ચરમસીમાએ પહોંચેલો જૂથવાદ છે. બંને જૂથ પોતાને ટિકિટ મળે એ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. થોડા સમય પહેલાં ગોંડલના મોવિયા ગામમાં જયરાજસિંહે એક કડવા પાટીદાર સમાજની સભાને સંબોધન કરી હતી, જેમાં અનિરુદ્ધસિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષાની ખાતરી આપીને રીબડામાં જમીનોના સોદા બારોબાર થતા હોવાનો ગંભીર આક્ષેપ અનિરુદ્ધસિંહ પર કર્યો હતો. જોકે ભાજપ મોવડીમંડળે અંતે જયરાજસિંહનાં પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી.
ચૂંટણીબજાર દિવસભર ગરમ રહ્યું
નોંધનીય છે કે મતદાન સમયે જયરાજસિંહ જૂથ તથા રીબડા જૂથ બેથી ત્રણ સ્થળે આમનેસામને થઈ જતાં ચકમક ઝરી હતી. બીજી બાજુ, બન્ને જૂથ વચ્ચે માથાકૂટો થયાની વાતને લઈ ચૂંટણીબજાર દિવસભર ગરમ રહ્યું હોવાથી ગોંડલ પંથક માટે ચૂંટણીનો દિવસ ઉત્તેજનાપૂર્ણ રહ્યો હતો. ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જ્યાં મતદાન બૂથ નજીક બન્ને જૂથ વચ્ચે શાબ્દિક બબાલ સર્જાઈ હતી. હાલ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો 43,313 મતથી વિજય પણ થઈ ગયો છે. ગોંડલ વિધાનસભાની ચૂંટણી ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેનો જંગ હજુ ચાલુ જ છે.
ચૂંટણી ભલે પૂરી થઈ, પણ અંગારા હજુ આગ લગાવી શકે છે
રાજકીય વર્ચસ્વની લડાઈ ચૂંટણી બાદ પણ કેમ થાળે પડતી નથી? અને અત્યારે કેમ ફરી ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ? જેનાં બીજ તાજેતરમાં પાટીદારો દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રોપાયાં હતાં. 14 દિવસ પહેલાં આ સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાજસિંહે ફરીવાર રીબડા જૂથની પિપૂડી બંધ કરવાનું નિવેદન કરતાં જ ભરશિયાળે માહોલ ગરમાયો હતો.
જયરાજસિંહે હજુ હથિયાર હેઠાં મૂક્યા નથી
આ સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જયરાજસિંહે હજુ હથિયાર હેઠાં મૂક્યા નથી. પહેલા તો રીબડા ગામના જેટલા મતદારો રાજકોટમાં છે તેને મારી નમ્ર વિનંતિ છે કે તમે પહેલા રીબડામાં દાખલ થઈ જાઓ, એટલે આ લોકોની ગાજરની પિપૂડી મને લાગે છે કે જાજા વરહથી હલાવે છે મારા દીકરાવ. તેની પિપૂડી બંધ થઈ જાય ભાઈ, તેની પિપૂડી મારે હવે બંધ કરવી જ છે, એમાં હવે કોઈ વાત ક્યારે આવશે નહીં.
આ બાપુજીનો બગીચો હતો
તેમણે વધુમાં કહ્યું હતું કે મિત્રો, તેમનો દાવો કેવો હતો તમને ખબર છેને... રીબડા એક ગામ એવું નહીં, રીબ બે ગામ એવું નહીં, આખો પટ્ટો(ભાર દઈને). આમ ગુંદાસરાથી તમે હાલો એટલે આમ આંબરડી સુધી બાપુજીનો બગીચો હતો. ખબર છેને તમને? વાત આખી પટ્ટાની જ આવે. કોઈ એક ગામ, કોઈ બે ગામ, કોઈ આજુબાજુનાં ત્રણ ગામ... આવી કોઈ વાત જ હતી નહીં. પટ્ટો કેન્સલ થઈ ગયો, દસ્તાવેજ રદ થઈ ગયો... જનતા જનાર્દને, મતદારોએ રદ કરી નાખ્યો, તમને બધાને ખબર છેને?
લીડની ક્યાંય વાત નથી કરી
તેમણે વધુમાં કહ્યું હતું કે આજુબાજુનાં બધાં ગામડાંના ઢોલરા, રાવકી, ગુંદાસરાના બધા મિત્રો અને ઉદ્યોગપતિ, મિત્રો, સૌ યુવાનો તથા વડીલો. આપણને 212 મત મળ્યા ને? એ મારા માટે 20 હજાર જેવા છે. મેં 43,313 લીડની ક્યાંય વાત નથી કરી. આ ગામમાં આઝાદી પછી આ લોકોના આ રીબડાવાળા સામે લડ્યા હોય ને 200 મત મળ્યા હોય ને એવી આ પ્રથમ ઘટના છે. મેં 43,313ની લીડની ક્યાંય વાત નથી કરી, મેં એમ કહ્યું છે કે રીબડામાંથી મને 212 મત મળ્યા એટલે હવે થોડું થોડું ઉપર હાલ્યું આવે છે.
તાબડતોબ સંમેલન યોજવાની જાહેરાત કરી
આ સંમેલન બાદ એ જ રાત્રિના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે પટેલ યુવાનને અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહિત પાંચ શખસે ચૂંટણીના મનદુ:ખમાં ધમકાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. એ બાદ સમગ્ર મામલે ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખુંટ નામના યુવાને માજી ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના દીકરા અને તેના પૌત્ર સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના બીજે જ દિવસે ફરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે તાબડતોબ સંમેલન યોજવાની જાહેરાત કરી તેનો અમલ કર્યો અને હુંકાર કર્યો હતો કે હું તો ગોંડલ શહેર અને તાલુકાનો ચોકીદાર છું, હવે રીબડાનું પગીપણું કરીશ. રીબડાના જોહુકમી કરનારા શખસોની સીધાદોર કરીને જ જંપીશ. રીબડામાં ઘણાં મકાન ખાલી છે, એમાં રહેવા આવી જઇશ અને સતત પગીપણું કરીશ.
ધારાસભ્ય પરિવાર તેમના પડખે ઊભો રહેશે
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે આજથી તમને આ લોકોના ત્રાસથી આઝાદી મળી ગઈ છે. આજનું આ સંમેલન નથી વ્યથા સંમેલન છે અને આ વ્યથામાંથી જ વ્યવસ્થા ઊભી થઈ છે, જેના થકી ગામની બહેનો-દીકરીઓ, યુવાનો, વડીલ, વૃદ્ધોને કોઈપણ જાતની બીક રાખવાની જરૂર નથી. જરૂર પડે અડધી રાત્રે પણ ધારાસભ્ય પરિવાર તેમના પડખે ઊભો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.