વાંચે ગુજરાત, ભણે ગુજરાતનું સુત્ર પોકળ:ધોરાજીમાં 100 વર્ષ જૂની સરકારી સ્કૂલ 5 વર્ષથી ખખડધજ, સૂગ ચડે તેવા ઓરડા, 150 વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ

રાજકોટ4 મહિનો પહેલા
  • ઓરડાઓમાં ધૂળના થર જામ્યા, બેન્ચીસ અને ખુરશીઓ તૂટેલી હાલતમાં
  • સફાઇના અભાવે શાળાના પટાંગણમાં ઝાડ અને ઘાસ ઉગી નીકળ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે એવી શાળા જોવા મળી છે જે રાજાશાહી વખતની અંદાજીત 100 વર્ષ જૂની છે. આ રાજાશાહી વખતની શાળાની પૂરતી જાળવણી નહીં રાખવામાં આવતા 5 વર્ષથી સ્કૂલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જેના પરિણામે આ શાળાના 150 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સ્કૂલના ઓરડા જોતા જ સૂગ ચડે તેવી હાલતમાં ધૂળ ખાય રહ્યા છે. આથી 150 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ ઉઠ્યો છે.

8થી 10 વર્ષ પહેલા 300થી 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા
શાળા નં.8ના પ્રિન્સિપાલ વિપુલ વાછાણીએ જણાવ્યું હતું કે, શાળાનું બિલ્ડીંગ પડી જવાની હાલતમાં હોવાથી અમે હાલ કન્યા વિદ્યાલય ખાતે બેસીએ છીએ. 8થી 10 વર્ષ પહેલા અમારી શાળાનું બિલ્ડીંગ ધમધમતુ હતું. 300થી 400 જેવી વિદ્યાર્થીઓની સંખ્યા સાથે શાળા ચાલી રહી હતી. હાલ શાળા નં.1ની સાથે મર્જ થયા પછી બંને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 150 જેટલી થઈ ગઈ છે. જો શાળાનું બિલ્ડીંગ ફરીથી નવું બનાવવા આવે તો ફરી બાળકોનો કિલકિલાટનું વાતાવરણ હતું તે ફરી પાછું આવી શકે છે. હું બે વર્ષથી પ્રિન્સિપાલ તરીકે આવ્યો છું, પરંતુ આ પહેલાના પ્રિન્સિપાલોએ અને મેં પણ સ્થાનિક લેવલે રજુઆત કરી છે.

પાંચ વર્ષથી સ્કૂલમાં સાફ-સફાઈ થઈ નથી.
પાંચ વર્ષથી સ્કૂલમાં સાફ-સફાઈ થઈ નથી.

ઓરડાને પાડવાની મંજૂરી મળી છે: તાલુકા શિક્ષણાધિકારી
ધોરાજી તાલુકા શિક્ષણાધિકારી કાજલબેન જાનીએ જણાવ્યું હતું કે, તાલુકા શાળા નંબર 1 હાલ શાળા નંબર 8માં મર્જ થયેલી છે. હાલ શાળા નંબર 8નું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. મેં રૂબરૂ આ અંગે સ્થળ તપાસ કરી હતી. આ શાળાના ઓરડા, મેદાન જર્જરિત હાલતમાં હોવા અંગેની દરખાસ્ત મેં મારી વડી કચેરી ખાતે કરી છે. ઓરડાને પાડવા માટેની મંજૂરી મળી છે એટલે તુરંત આ કાર્યવાહી કરીશું અને નવું બિલ્ડીંગ બને તેવા સત્વરે પ્રયત્નો કરીશું. શાળા નંબર 8ના વિદ્યાર્થીઓની ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે બેસાડવાની વ્યવસ્થા કરી છે.

કાજલબેન જાની-ધોરાજી તાલુકા શિક્ષણાધિકારી.
કાજલબેન જાની-ધોરાજી તાલુકા શિક્ષણાધિકારી.

શિક્ષણના નામે સરકારના ખોટા તાયફાઃ ધારાશાસ્ત્રી
ધોરાજીના ધારાશાસ્ત્રી દિનેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે, ધોરાજીની અંદર તાલુકા શાળા 1ને 8 સાથે મર્જ કરવામાં આવી છે. પરંતુ રાજાશાહી વખતનું શાળાનું બિલ્ડીંગ સંપૂર્ણપણે જર્જરિત થઇ ગયું છે. બિલ્ડીંગ પડી ગયેલી હાલતમાં થઈ ગયું છે. આવા સંજોગોની અંદર બંને શાળાના વિદ્યાર્થીઓને અન્યત્ર બેસાડવામાં આવે છે. સરકાર શિક્ષણ પાછળ પ્રવેશોત્સવ જેવા ખોટા નાટકો કરી માત્ર શિક્ષણને પ્રોત્સાહન કરવાને બદલે ખોટા તાયફાઓ કરી રહી છે. આ શાળાનું બિલ્ડીંગ રિનોવેશન કરવામાં સરકારને કોઈ રસ નથી. ધીમે ધીમે સરકારી શાળાઓને બંધ કરી ખાનગી શિક્ષણને પ્રોત્સાહન અપાતું હોય તેવું અમને લાગી રહ્યું છે.

શાળા નં.8ના પ્રિન્સિપાલ વિપુલ વાછાણી (ડાબી બજુ) અને ધારાશાસ્ત્રી દિનેશ વોરા (જમણી બાજુ).
શાળા નં.8ના પ્રિન્સિપાલ વિપુલ વાછાણી (ડાબી બજુ) અને ધારાશાસ્ત્રી દિનેશ વોરા (જમણી બાજુ).

વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ મળતો નથી
ધોરાજીની આ શાળાના દ્રશ્યો જોતા સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત, ભણે ગુજરાતનું સૂત્ર પોકળ’ સાબિત થતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે અને અહીંની શાળાની હાલત જર્જરિત જોવા મળે છે. પરિણામે અહીંના વિદ્યાર્થીઓ એટલે કે દેશનું ભવિષ્ય અન્ય શાળાનો સહારો લઈને પોતાનો અભ્યાસ લઈ રહ્યાં છે. આથી વિદ્યાર્થીઓને અભ્યાસ પણ પૂરતો મળતો નથી.

બિલ્ડીંગના પિલર ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં.
બિલ્ડીંગના પિલર ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં.

પાંચ વર્ષથી સ્કૂલ જર્જરિત હાલતમાં
શાળાના બિલ્ડીંગની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ છે તે અંગે અગાઉ પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે અને ફાઈલો પણ મોકલાવેલી છે. પરંતુ દેશના ભવિષ્યની સરકારને અને તંત્રને કોઈ ચિંતા ન હોય તેમ હજુ કોઈ નીવેડો આવ્યો નથી. આ શાળામાં મોટાભાગે ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જર્જરિત શાળાના બિલ્ડીંગો નવા બનાવી બાળકોને સારું અને સુવિધાઓવાળું શિક્ષણ આપવા સરકાર અને તંત્ર કેટલું સાચું અને ખરૂં ઉતરશે તે તો આવનારો સમય જ બતાવશે.

શાળાનું પટાંગણ ઝાડના ખરેલા પાંદડાથી ઉભરાયું.
શાળાનું પટાંગણ ઝાડના ખરેલા પાંદડાથી ઉભરાયું.
શાળામાં ખુણે ખુણે ઝાડ ઉગી નીકળ્યા.
શાળામાં ખુણે ખુણે ઝાડ ઉગી નીકળ્યા.