ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો નિરસ:રાજકોટમાં 11 કેન્દ્ર પર સરકારની ખરીદી શરૂ, 1 મણનો ભાવ 1170, માત્ર બે-ત્રણ ખેડૂત આવ્યા, રૂ.1200થી 1300 આપવા માગ

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં રાઘવજી પટેલે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો.

આજે લાભ પાંચમના શુભ દિવસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહી તે માટે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી પ્રતિ 20 કિલો 1170 રૂપિયાના ટેકાના ભાવથી મગફળી ખરીદવામાં આવી રહી છે. ગુજસોમાર્સલના માધ્યમથી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો સહિત રાજ્યમાં 160 કેન્દ્ર પરથી ખરીદ કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. આજે માત્ર બેથી ત્રણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા છે. ખેડૂતોની માગ છે કે એક મણનો ભાવ 1200થી 1300 રૂપિયા આપો.

પ્રથમ દિવસે બેથી ત્રણ ખેડૂત આવ્યા.
પ્રથમ દિવસે બેથી ત્રણ ખેડૂત આવ્યા.

ઓપન માર્કેટમાં A1 ગ્રેડ મગફળીનો ભાવ 1700
કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજે લાભ પાંચમના શુભ દિવસથી નક્કી કર્યા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 11 સહિત રાજ્યના 160 કેન્દ્ર પરથી ગુજકોમાર્સલ મારફત મગફળી ખરીદી 1170 રૂપિયા પ્રતિ 20 કિલોના ટેકાના ભાવથી કરવામાં આવી રહી છે. જોકે, આજે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ એટલે કે 1200થી 1300 રૂપિયા સુધી અને A1 ગ્રેડ મગફળીના 1700 રૂપિયા સુધી પણ ભાવ મળી રહ્યા છે જે સારી વાત છે. પરંતુ જ્યારે ઓપન બજારમાં ભાવ ન મળે તે સમયે ટેકાના ભાવ 1170થી સરકાર ખરીદ કરે છે. જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન સર્જાય અને પૂરતા ભાવ મળી રહે માટે સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદ કરી રહી છે.

ખેડૂતોની એક જ માગ એક મણના 1200થી 133 રૂપિયા આપો.
ખેડૂતોની એક જ માગ એક મણના 1200થી 133 રૂપિયા આપો.

ગત વર્ષે 49,899 ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું
પાછલા વર્ષે રાજ્ય સરકારે 49,899 ખેડૂતો પાસેથી 558 કરોડના ખર્ચે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી હતી. જેની સામે આ વર્ષે 9.79 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લસણ પકવતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ગાંધીનગર ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે. જેની સામે લસણ પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સાથે મળી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. જોકે, લસણ અને ડુંગળીના ભાવનો પ્રશ્ન હલ કરવો સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યો છે. ત્યારે આ મામલે લસણ પકવતા ખેડૂતોનો પ્રશ્ન કેટલા સમયમાં હલ કરવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથે વાતચીત કરી.
કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથે વાતચીત કરી.

શું છે ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા?
પ્રથમ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેના આધારે સરકાર દ્વારા ખેડૂતોને તેમનો વારો આવ્યે એના આગલા દિવસે ફોન અને મેસેજ કરી જાણ કરવામાં આવતી હોય છે. બાદમાં બીજા દિવસે ખરીદ કેન્દ્ર પર ટોકન મુજબ તેમની પાસેથી મગફળી ખરીદ કરવામાં આવે છે. ખેડૂત પોતાની મગફળી લઈ અને કેન્દ્ર પર પહોંચે ત્યાં તેમની પાસેથી નાફેડના ગ્રેડર દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવતું હોય છે. જેમાં ઉતારો અને ભેજનું પ્રમાણ માપવામાં આવતું હોય છે. જે સેમ્પલ પાસ થયા બાદ તેમની મગફળી ખરીદી તેમને નજીકના ગોડાઉનમાં મૂકવામાં આવે છે અને તેના રૂપિયા ખેડૂતો ઓનલાઇન તેના બેંક ખાતામાં આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...