રાજકોટમાં વૃક્ષોની હત્યા:8 ઝાડની ડાળીઓ કાપવાના નામે મંજૂરી લઈ સરકારી લાઇબ્રેરીએ 13 વૃક્ષનું નિકંદન કાઢ્યું, ગુનો નોંધાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થડ સાથે આખા વૃક્ષ કાપી નાંખ્યા - Divya Bhaskar
થડ સાથે આખા વૃક્ષ કાપી નાંખ્યા
  • ફેબ્રુઆરી માસમાં વૃક્ષો કપાતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો ગ્રંથપાલે પોલીસ બોલાવી લીધી હતી
  • સૌરાષ્ટ્ર વૃક્ષ કાયદો, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન સહિતના મુદ્દા ગાર્ડન શાખાએ તૈયાર કર્યા, પર્યાવરણપ્રેમીઓએ બેસણું રાખ્યું

રાજકોટમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીના પરિસરમાં એક સાથે 13 વૃક્ષને થડથી જ કાપી નાખ્યા છે આ મામલે લાઇબ્રેરિયને મંજૂરી સાથે વૃક્ષ કાપ્યાની વાત આવતા મ્યુનિસિપલ કમિશનરે તુરંત જ નાયબ કમિશનર એ.આર. સિંઘને તપાસ કરવાનો આદેશ કર્યો હતો જોકે તેમાં વૃક્ષ કાપવાની નહિ પણ માત્ર ટ્રિમિંગની જ મંજૂરી હતી અને ગેરકાયદે વૃક્ષ કાપ્યાનું સામે આવતા હવે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે નવરંગ નેચર ક્લબ સહિતના પર્યાવરણપ્રેમીઓએ આ વૃક્ષછેદનનો વિરોધ કરવા ગુરુવારે લાઇબ્રેરીના કેમ્પસમાં બેસણું રાખ્યું છે.

ગાર્ડન શાખાના ઈન્ચાર્જ ડાયરેક્ટર એલ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, ‘જિલ્લા લાઇબ્રેરીના ગ્રંથપાલના હોદ્દાની રૂએ વૃક્ષોની ટ્રિમિંગ કરવાની અરજી આવી હતી જેમાં બિલ્ડિંગને કેટલીક ડાળીઓ અડતી હોવાથી કાપવા મંજૂરી માગી હતી તેથી 8 વૃક્ષની ડાળીઓ કાપવા મંજૂરી અપાઇ હતી.

આ મંજૂરી લાઇબ્રેરિયન સ્મિતકૌર સેહર નામના મહિલા ગ્રંથપાલે 22-2ના લીધી હતી અને તે જ સમયે વૃક્ષો કપાયા હોય તેવું લાગે છે. જે 13 ઝાડ કપાયા છે તેમાં પીપળ, પીપળો, ગોરસ આંબલી તેમજ અન્ય લીમડાનો સમાવેશ થાય છે. આ મામલે ગેરકાયદે વૃક્ષછેદન બદલ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન કાયદા હેઠળ કાર્યવાહી થશે ઉપરાંત રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન તેમજ લાકડાંના ગેરકાયદે વેચાણનો મુદ્દો પણ આવરી લીધો છે અને લીગલ નોટિસ મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રહી છે.’

આ મામલે જાણવા મળ્યું હતું કે, જે તે સમયે વૃક્ષો કાપ્યા ત્યારે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને આવેદન પણ આપ્યું હતું જોકે ત્યારે લાઇબ્રેરિયને પોલીસને બોલાવીને અવાજ દબાવવા પણ પ્રયાસ કર્યો હતો.

પાપ ફૂટ્યું : બે વૃક્ષની કૂંપળ નીકળી
3 મહિના સુધી વૃક્ષોની હત્યાનો બનાવ છુપો રહ્યો હતો કારણ કે, લાઇબ્રેરીની કમ્પાઉન્ડ વોલ પાસે જે દીવાલ છે તે વૃક્ષો યથાવત્ રહ્યા હતા અને અંદરના વૃક્ષ કાપ્યા હતા, પરંતુ મનપા ટીમ પહોંચી ત્યારે કપાયેલા વૃક્ષો પૈકી ગોરસ આંબલી અને પીપળના કૂંપળ ફૂટેલા હતા.

અન્ય સમાચારો પણ છે...