રાજકોટમાં કેજરીવાલની ફ્લાઈંગ વિઝીટ:'સરકારે પોલીસને આપેલા ભથ્થામાં છેતરપિંડી કરી, બધા સરકારથી ડરેલા છે'

રાજકોટએક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દ્વારકામાં ચૂંટણી માટેની જંગી સભા સંબોધી હતી. જે બાદ અચાનક તેઓ રાજકોટ ખાતે આવ્યા હતા. જ્યાં મીડિયાને તેમણે જણાવ્યું હતું કે,સરકારે પોલીસને આપેલા ભથ્થામાં છેતરપિંડી કરી, બધા સરકારથી ડરેલા છે.

કોઈ શરતોનું પાલન કરવાની જરૂર નથી
રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારાની માંગ કરવામા આવી રહી છે. ગ્રેડ પે વધારાની માંગ નહિ સંતાષાતા આંદોલન કરાયુ હતુ, પરિણામે સરકારે પોલીસ કર્મચારીઓના ભથ્થાઓમા વધારો કર્યો છે. આ મામલે કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પોલીસ કર્મચારીઓથી લઈને આરોગ્ય કર્મચારીઓ સુધી તમામ કર્મચારીઓ દુઃખી છે. સરકાર આ રીતે કોઈ નિયમો લાગુ ન કરી શકે. મારી દરેક પોલીસ કર્મીઓને વિનંતી છે કે કોઈ​​​​​​​ શરતોનું પાલન કરવાની જરૂર નથી.

સરકારનો ઘમંડ હવે ટૂંક સમયમાં તૂટી જશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે ગુજરાત સરકારને હવે માત્ર ત્રણ મહિના રહ્યા છે. સરકારનો ઘમંડ હવે ટૂંક સમયમાં તૂટી જશે. અને અમારી સરકાર આવ્યા બાદ પોલીસ પોલીસકર્મીઓને ગ્રેડ પે સહિતના લાભો આપવામાં આવશે અને રાજ્યના તમામ કર્મીઓની યોગ્ય માગણીઓ આમ આદમી પાર્ટીની સરકાર મંજૂર કરશે.

દ્વારકામાં ખેડૂતોને પાંચ વાયદા આપ્યા
નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. અને ગૅરંટી રૂપે એક બાદ એક મહત્વની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે આજે દ્વારકાની મુલાકાત દરમિયાન કેજરીવાલે ખેડૂતોને લઈ જાહેરાત કરી હતી. જાહેરસભાના સંબોધન દરમિયાન ચૂંટણીલક્ષી ગેરંટી આપતા કહ્યું હતું કે AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. AAP સરકાર 5 પાકોને MSPથી ખરીદી કરશે. ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે. જમીનના તમામ સરવે રદ કરીશું ખેડૂતોને સાથે રાખી સરવે કરવામાં આવશે તેવી જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને 20 હજાર પ્રતિ એકર વળતર અપાશે. નર્મદાનું પાણી ખેડૂતોને જોઈએ તેમ કોઈ બાંધછોડ વગર આપવામાં આવશે.