તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર બ્રેકિંગ:રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની ભરતીના આજે ઈન્ટરવ્યૂ, ગોસ્વામીના નામની ગોઠવણ થશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઈલ તસવીર
  • સિલેક્શન માટે ગોસ્વામી અને જોશીના નામ ફાઈનલ થયા તે બંને મનપામાં ફરજ બજાવે છે
  • અગ્રવાલ છેલ્લા દિવસે સહી કરી! 2019 બાદ ફાઈલ અભેરાઈએ ચડાવી દેવાઈ હતી

રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની ભરતી માટે ઓફિસર્સ સિલેક્શન કમિટી ગુરવારે સવારે 10 વાગ્યે ઈન્ટરવ્યુ લેવાના છે. જોકે તેમાં મનપાના ઈન્ચાર્જ સિટી ઈજનેર એવા વાય. કે. ગોસ્વામીનું જ નામ ફાઈનલ કરાશે તેવી પૂરી સંભાવના છે.

અગાઉ ભરતી અટકાવી દેવાઈ હતી
કાર્યપાલક ઈજનેરની 2018માં ખાલી પડેલી જગ્યા માટે 2019માં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને ઓગસ્ટ 2019 સુધીમાં અરજીપત્રકો મગાવી લેવાયા હતા. જોકે ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા શંકાસ્પદ રીતે અટકી ગઈ હતી. બીજી ભરતીઓ કરાઈ પણ આ જગ્યા પર વિચાર ન કર્યો. આખરે જૂન મહિનામાં ભરતી પ્રક્રિયા આગળ વધી અને જે અરજીઓ આવી હતી તેમાંથી 6 ઉમેદવારને ઓરલ ઈન્ટરવ્યૂ માટે 17 જૂને બોલાવાયા હતા.

બેમાંથી એક ઉમેદવારનું નામ ફાઇનલ થશે
આ 6 ઉમેદવારમાંથી 5 રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈજનેર હતા જેમાં વાય.કે. ગોસ્વામી, ગૌતમ જોશી, જે. ડી. કુકડિયા, મહેશ રાઠોડ અને ધીરેન કાપડિયાનો સમાવેશ થાય છે. ઈન્ટરવ્યૂ બાદ ફરી ફાઈલ અટવાઈ આખરે આઈએએસ અધિકારીઓની બદલી થઈ એટલે ચાર્જ છોડવાના છેલ્લા દિવસે કમિશનર ઉદિત અગ્રવાલે બે નામ ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં મોકલ્યા હતા. આ બે નામમાં વાય. કે. ગોસ્વામી અને ગૌતમ જોશીનો સમાવેશ થાય છે. સિલેક્શન કમિટીમાં મેયર, સ્ટે. કમિટી ચેરમેન, ડે. મેયર, શાસક પક્ષના નેતા અને વિપક્ષી નેતા છે. તેઓ બંને ઉમેદવારના ઈન્ટરવ્યૂ લઈ એકનામ ફાઈનલ કરશે. જેમાં વાય. કે. ગોસ્વામીનું નામ ભરતી પ્રક્રિયાના અંતે જાહેર થાય તેવી ગોઠવણ થઈ છે.

સિટી ઈજનેરની ભરતીમાં મનપાની ટી.પી. શાખાના ઈજનેરો ફાવી જશે
શહેરમાં ત્રણ સિટી ઈજનેર અને એક એક્ઝિક્યુટિવ ઈજનેરનું મહેકમ છે. આ બંને હોદ્દા એક જ સરખા છે ફક્ત નામ અલગ અલગ છે. એક્ઝિક્યુટિવ ઈજનેરમાં મનપાના જ ઈજનેર ફાવી જશે અને હોદ્દો મેળવશે જેથી મનપાની વધુ એક જગ્યા ખાલી થશે. સિટી ઈજનેરની એક જગ્યા માટે ભરતી શરૂ કરાઈ છે જોકે તેમા પણ એક્ઝિક્યુટિવ ઈજનેરની જેમ મનપાના અધિકારીઓએ પ્રયાસ ચાલુ કરી દીધા છે. ટી.પી. શાખાના બે ઈજનેર વચ્ચે આ મામલે પસંદગીની રેસ છે.

અન્ય સમાચારો પણ છે...