રાજકોટમાં દેશ- વિદેશના મંદિરના આભૂષણો, વસ્ત્રો તૈયાર થયા છે. ત્યારે દિવાળી- નૂતનવર્ષના તહેવારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના ગોપીનાથજી અને રાધાજી રાજકોટમાં બનેલા સોના-ચાંદીના વસ્ત્રો- આભૂષણો ધારણ કરશે. ભગવાનને અર્પણ કરવાના વસ્ત્રો- મુગટ, કડા, બાજુબંધ, નૂપુર, જામાની ડિઝાઈનથી લઇને તેનું નકશીકામ વગેરે રાજકોટના 16 કારીગર અને વેપારીઓએ તૈયાર કર્યા છે. જે વસ્ત્ર બન્યા છે એમાં 10 કિલો ચાંદી અને 50 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.
જેમને આ વસ્ત્રો- આભૂષણ તૈયાર કર્યા છે એ સોની વેપારી કિરીટભાઈ પાટડિયા જણાવે છે કે, આ સમગ્ર વસ્ત્ર આભૂષણ માટે રાજકોટમાં ખાસ ઓર્ડર દેવામાં આવ્યો છે. આ આભૂષણમાં જડતર, નકશીકામનો સમાવેશ થાય છે. આ વસ્ત્રો-આભૂષણોની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય પણ મશીનનો ઉપયોગ નથી થયો. આખી શોભા સંપૂર્ણપણે હાથ બનાવટથી જ તૈયાર થઈ છે. આ ઓર્ડર મળ્યા બાદ સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે એ સંપૂર્ણ પણે મૌલિક છે.
રાજકોટના કારીગરોનું નકશીકામ વિશ્વભરમાં પ્રખ્યાત
રાજકોટમાં ભૂતકાળમાં સોમનાથ, કેદારનાથ, નાથદ્વારા, દ્વારકા, જૂનાગઢ, અંબાજી, તિરુપતિ સહિતના મંદિરના ભગવાનના આભૂષણો, વસ્ત્રો, છતર વગેરે અહીં બન્યા છે .અહીં તમામ કલા-કારીગરી ધરાવતા વેપારી અને કારીગરો છે. આ સિવાય રાજકોટ એ દરેક સેક્ટરનું હબ છે એટલે બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે. ખાસ તો અહીંના નકશીકામ, જડતર વિશ્વભરમાં જાણીતું છે તેમ સોની વેપારી પ્રશાંતભાઈ પાટડિયા જણાવે છે.
5 કિલો ચાંદીમાંથી ચેતક ઘોડાનો શણગાર બન્યો
રાજકોટના ચાંદીના વેપારી મનસુખલાલ કંસારાએ 5 કિલો ચાંદીમાંથી ચેતક ઘોડાનો શણગાર તૈયાર કર્યો છે.આ ઓર્ડર તેને રાજસ્થાનથી મળ્યો હતો. જેને તૈયાર કરતા એક મહિનાનો સમય લાગ્યો હતો. તેમજ 10થી વધુ કારીગરોએ આ માટે જહેમત ઉઠાવી હતી. ઘોડાના શણગારમાં મુગટવાળો મુખારવિંદ, પગના કડા વગેરે તૈયાર કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.