તંત્ર એક્શનમાં:રાજકોટમાં મનપાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ગોપાલ પેટ્રોલ પંપ અને વિરાણી ફાસ્ટનરને સિલ કરાયા, 82 મિલકત ધારકો પાસેથી રૂ. 29 લાખની વસુલાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોપાલ પેટ્રોલ પંપને રૂ. 2,75,000ની બાકી વસુલાત માટે સિલ કરવામાં આવ્યું છે - Divya Bhaskar
ગોપાલ પેટ્રોલ પંપને રૂ. 2,75,000ની બાકી વસુલાત માટે સિલ કરવામાં આવ્યું છે
  • આજે ભાવનગર રોડ પર 7 સ્થળેથી માર્જીન ખુલ્લા કરાયા,વોર્ડ નં.5માં રહેણાંકનું નળ કનેકશન કાપી નખાતા ફફડાટ
  • દબાણ હટાવ શાખા દ્વારા 2 રેંકડી, 4 દબાણ, 300 જેટલા બેનર જપ્ત કરી રૂા.12 હજારનો વહીવટી ચાર્જ લેવાયો

રાજકોટમાં વર્ષોથી વેરા પેટે ફદીયુ પણ જમા ન કરાવનાર રીઢા બાકીદારો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે અને ટેક્સની વસૂલાત કરવા માટે ખાસ રીક્વરી સેલ ઉભો કરવામાં આવ્યો છે. જે હાલ પૂરાજોશથી કાર્યરત છે. જેને પગલે આજે ભાવનગર રોડ પર ટેક્સ બ્રાન્ચ ત્રાટકી હતી. જ્યાં ગોપાલ પેટ્રોલ પંપ અને વિરાણી ફાસ્ટનરને સિલ કરવામાં આવ્યા હતા અને કુલ 82 મિલકત ધારકો પાસેથી રૂ. 29 લાખની વસુલાત કરવામાં આવી હતી.

માર્જીનમાંથી 500 ફુટ દબાણ હટાવવામાં આવ્યું
મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ આજે પૂર્વ ઝોનના ભાવનગર રોડ પર પહોંચી હતી. જેમાં વોર્ડ નં.4,5,6,15ને લાગુ ભાવનગર રોડ પર સાત જગ્યા બહારથી છાપરાના બાંધકામ તોડી પાર્કિંગ અને માર્જીનમાંથી 500 ફુટ દબાણ હટાવવામાં આવ્યું હતું. આજે ઇસ્ટ ઝોનના ભાવનગર રોડ ખાતે ટીપી, ટેકસ, દબાણ, સોલીડ વેસ્ટ, ફૂડ સહિતની ટીમોએ સઘન કામગીરી કરી હતી. જેમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન, ચામુંડા સેલ્સ, ગુર્જર પ્રજાપતિ પ્રગાસ મંડળ, દિવ્યા હોમ એપ્લાયન્સીઝ, શિવમ પ્રિન્ટર પ્રેસ, શિવ પાન કોલ્ડ્રીકસ અને ઉત્સવ ફર્નીચર ખાતેથી છાપરાનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.

છાપરાનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું
છાપરાનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું

રૂ. 2,75,000 બાકી વસુલાત માટે મિલકત સિલ
આ રોડ પર આજે ટેકસ વિભાગે પણ 82 આસામી પાસેથી 29 લાખનો વેરો વસુલ્યો હતો. વેરા-વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 4, 5, 6 અને 15 પરથી કુલ 82 મિલકત પાસેથી કુલ રૂ. 29 લાખની ટેકસ વસુલાત કરાઇ હતી. તો ભાવનગર રોડ પર આવેલ ગોપાલ પેટ્રોલ પંપ પાસેથી રૂ. 2,75,000 બાકી વસુલાત માટે સિલ કરેલ છે. વિરાણી ફાસ્ટનર પાસેથી રૂ. 3,25,000 બાકી વસુલાત માટે સીલ કરી વોર્ડ નં. 5માં રહેણાંક મિલકતમાં નળ કનેક્શન કપાત કરી દેવામાં આવ્યું હતું.

300 જેટલા બેનર હટાવાયા
દબાણ હટાવ શાખા દ્વારા આજે 2 રેંકડી, 4 દબાણ, 300 જેટલા બેનર, બોર્ડ અને ઝંડી જપ્ત કરી રૂા. 12 હજારનો વહીવટી ચાર્જ લેવાયો હતો. તો ભાવનગર રોડ પર જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી બદલ, ડસ્ટબીન ન રાખવા, ઝબલાના ઉપયોગ સહિતના નિયમોના ભંગ બદલ 31 વેપારીને રૂા. 11350નો દંડ કરી 3 આસામીને બાંધકામ વેસ્ટ જાહેરમાં ફેંકવા બદલ રૂા.5 હજારનો દંડ કરાયો છે.