જો તમને પૂછવામાં આવે કે 792 ÷ 8 તો તમેં તરત જ તેનો જવાબ આપી શકો? ચોક્કસ ઘણા બધાને કેલ્ક્યુલેટરની જરૂર પડે જ. તો શું કેલ્ક્યુલેટર કરતા પણ વધુ ઝડપથી કોઈ ગણતરી કરી શકે કોઈ? આંખના પલકારા ફરતા પહેલા તો એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આવું જ કંઈક કરી બતાવ્યું છે ગોંડલની 9 વર્ષની ધ્વનીએ. નજરે જોતા વિશ્વાસ ન આવે અને જે દાખલો કેલ્ક્યુલેટરમાં ગણીને લખતા જ 4થી 5 સેકન્ડ થાય એવા 100થી વધુ દાખલા માત્ર 90 સેકન્ડમાં ગણીને વર્લ્ડ રેકોર્ડ બૂક ઓફ ઇન્ડિયામાં નામ લખાવવા જઈ રહી છે.
કોરોનાકાળમાં ગણિતમાં મહારથ મેળવવા સંકલ્પ કર્યો હતો
કોરોના કાળને પણ આફતમાંથી અવસરમાં ફેરવનાર ઘણા બધા વીરલાઓ છે અને એમાં પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે લગભગ બધા પેરેન્ટ્સને બાળકોના મોબાઈલ અને ગેમ્સની ફરિયાદ રહેતી હતી. આવા સમયે ગોંડલની ધ્વની દીપેનભાઈ વેકરિયાએ ગણિતમાં મહારથ મેળવવાનો સંકલ્પ કર્યો હતો.
2019માં કંમબોડીયામાં કોમ્પિટિશનમાં ચેમ્પિયન થઈ હતી
પાયાના ગણિતમાં સૌથી અઘરા કહી શકાય એવા ગુણાકાર અને ભાગાકાર ઉપર સખત મહેનત વડે ગજબની પકડ મેળવી લીધી અને માત્ર 90 સેકન્ડમાં 110 ભાગાકાર ગણીને વર્લ્ડ રેકોડ ઓફ ઇન્ડિયામાં નાની ઉંમરે નામ નોંધાવવા માટેનો સફળતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. આ રેકોર્ડ માટે ધ્વનિ છેલ્લા 6 મહિનાથી રોજની ચારથી પાંચ કલાકની તૈયારી કરતી હતી. આ પેહલા પણ ધ્વનિએ 2019માં કંમબોડીયા ખાતે યોજાયેલ યુસીમાસની મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનમાં ચેમ્પિયન થઈ હતી.
પિતા દીપેનભાઈએ પણ આ માટે ખૂબ મહેનત કરી
ધ્વનિને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બાળકોમાં અદભૂત શક્તિઓ પડી જ હોય છે. જરૂર છે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપીને ધીરજપૂર્વક તૈયાર કરવાની. જો બાળકને યોગ્ય વાતાવરણ આપવામાં આવે અને તેને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો કાઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ છે. તેના પિતા દીપેનભાઈએ પણ આ માટે ખૂબ મહેનત કરી છે. ધ્વનિનો આ રેકોર્ડ ફરીથી એક વખત ગોંડલને વિશ્વ કક્ષાએ મૂકી દેશે અને ભગવતભૂમિ ગોંડલનું ગૌરવ વધારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.