મોરબી રોડ પર રતનપરમાં સગાઈ પ્રસંગે આવેલા ગોંડલના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45) તેમના પરિવાર સાથે સિટી બસમાં બેસી રતનપરથી રાજકોટ આવતા હતા ત્યારે બસમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ જેની કિંમત રૂ.1.24 લાખ થાય તે કોઈ વ્યક્તિ ચોરી જતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પહેરામણી માટે આવ્યા હતા
આ અંગે શોભનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. તા.16/03 ના રોજ મારા ફઇબા ગીનાનબાના દિકરાની સગાઇ કરી હોય જેની પહેરામણી માટે અમે ત્યાં આવ્યા હતા અને સાંજના ત્યાંથી નીકળી રતનપર ગામના પાટીયે રોડ પર આવેલ હતા અને ત્યાંથી પાંચેક વાગ્યે રાજકોટ તરફ જતી સિટી બસ જીજે.03.બીટી.0231માં બેસી રાજકોટ તરફ આવતા હતા અને આ બસમાં ખુબ ભીડ હોવાને કારણે સીટો ભરાઇ ગયેલ હોય અમો પાછળના ભાગે ઉભા હતા અને બસમાં મારી આગળ મારા ભાભી ઉભા હતા અને મારો પૌત્ર જે ભાભી તેડીને ઉભા હતા તે વખતે મારી બાજુની સીટમાં મોઢે ચુંદડી બાંધેલ બે મહિલા બેઠી હતી.
રોકડા રૂપિયા અને દાગીના હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાછળ બે મહિલા ઉભેલ હતી અને બાકી બધા ઉભેલા પેસેન્જરોમાં મોટાભાગના વિધાર્થી હતા અને રસ્તામાં બેડી માર્કેટીંગ યાર્ડ પાસે આવતા ખબર પડી કે મારી પાસે રહેલ મારું પર્સ કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગયું અને આ પર્સમાં એક જોડી સોનાની બુટી જેનું વજન આશરે અડધા તોલાની જેની કિં. 15,000, સોનાનો ટીકો જેનું વજન આશરે અડધા તોલાનો જેની કિં રૂ.15,000, કાનમાં પહેરવાના દાણા નંગ-2 જેની રૂ.1000 ચાંદીનું કડુ 100 ગ્રામ જેની કિં.3000 અને રોકડા રૂ.90,000 જે તમામ વસ્તુ મારા પર્સમાં હતી.
કંડકટરને ચોરીની જાણ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જે મારા ભાભી મીનાબા રવીરાજસિંહ જાડેજાને વાત કરતા તેમણે તુરંત જ સિટી બસ ઉભી રખાવેલ હતી અને આ દરમ્યાન ઘણા બધા માણસો નીચે ઉતરી ગયા હતા અને અમોએ કંડકટર છત્રપાલસિંહ પરમારને ચોરી અંગે વાત કરી હતી. જેથી કોઈ અજાણી વ્યક્તિ આ રોકડ અને દાગીના ભરેલું પર્સ કોઈ ચોરી જતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.