પુત્રએ જ પિતાની હત્યા કરી:ગોંડલના મોવિયામાં સગીરે દારૂ પીવાની ટેવ ધરાવતા પિતાને મામા સાથે મળી પથ્થરના ઘા મારી પતાવી દીધા

રાજકોટએક મહિનો પહેલા
આરોપી મામા શંકર કિકેરિયાની પોલીસે ધરપકડ કરી.
  • પોલીસે આરોપી મામાની ધરપકડ કરી, સગીર પુત્રની અટકાયત
  • પૈસા દારૂ પીવામા વેડફી નાખતા પુત્ર માનસિક રીતે કંટાળી ગયો હતો

ગોંડલના મોવિયા ગામના ભાવેશભાઈ વઘાસિયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરસીંગ રાઠવા (ઉં.વ.50) પર સોમવારે રાત્રે વાડીના રસ્તામાં પથ્થરના ઘા ઝીંકી ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. આથી ગંભીર રીતે ઘવાયેલા સુરસિંગને ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આથી પોલીસે ગુનો નોંધી પરિવારજનોની આકરી પૂછપરછ કરતા હત્યા બીજા કોઇએ નહીં પણ તેના સગીર વયના પુત્ર અને તેના મામાએ સાથે મળી કરી હોવાનું ખુલ્યું છે. પિતા દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાથી માનસિક રીતે થાકતા પુત્રએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી મામાની ધરપકડ કરી છે.

પોલીસને પરિવારજનો પર શંકા જતા આગવી ઢબે પૂછપરછ કરી
ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાનો બનાવ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. સુરસીંગ દારૂ પીવાની ટેવવાળો હોવાનું અને અવાર નવાર પોતાના પરિવારમા મારઝૂડ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ ગુનામાં સુરસીંગના કોઇ અંગત કે પરિચીત વ્યક્તિઓ સંડોવાયેલી હોવાની શક્યતા જણાતા તેના સગાસબંધીઓ અને પરિચીત વ્યક્તિઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સુરસીંગના સગીર પુત્ર અને સાળા શંકર રલાભાઇ કિકેરિયાએ સાથે મળી માથાના ભાગે પથ્થર મારી મોત નીપજાવ્યાની પોલીસને કબૂલાત આપી હતી. આથી પોલીસે શંકરની ધરપકડ કરી હતી. જ્યારે સગીર વયના પુત્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાડીએ જવાના રસ્તે જ પિતાની પથ્થરના ઘા મારી હત્યા કરાઇ હતી.
વાડીએ જવાના રસ્તે જ પિતાની પથ્થરના ઘા મારી હત્યા કરાઇ હતી.

મૃતક વાડી માલિક પાસેથી અવારનવાર પૈસા લઇ દારૂ પીતો
મૃતક સુરસીંગ મૂળ છોટા ઉદેપુરના ટીમેલી ગામના વતની હતા. તેઓ પરિવાર સાથે ગોંડલના મોવિયા ગામમાં ભાવેશભાઇ ભગવાનજીભાઇ ભાલાળાની વાડીમાં રહી ખેતમજૂરી કરતા હતા. જોકે, દારૂ પીવાની કૂટેવ હતી અને દારૂ પીવા માટે પોતાના શેઠ પાસેથી અવાર નવાર પૈસા લઇ જતો હતો. આ પૈસાથી દારૂનો નશો કરી પોતાના પરિવારજનો સાથે મારઝૂડ કરતો હતો. 1 નવેમ્બરના રોજ સુરસીંગે પોતાના શેઠ પાસેથી પૈસાનો ઉપાડ લઇ દારૂ પી ગયા અને સાંજના સમયે મોવીયા-બંધીયા રોડ ઉપર દારૂ પી બેશુદ્ધ હાલતમાં પડ્યા હતા.

ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આવેશમાં આવી જઇને બંને આરોપીઓએ પથ્થરના ઘા મારી હત્યા કરી
આ અંગેની જાણ સગીર પુત્ર અને તેના સાળાને થતા તેઓ બન્ને બનાવવાળી જગ્યાએ જતા આ સુરસીંગ દારૂ પીધેલી હાલતમાં જ પડ્યા હતા. આથી ઉપરોક્ત બન્ને આરોપીઓ આવેશમાં આવી ગયા અને સુરસીંગ અવાર નવાર ઝઘડા કરતો હતો. પૈસા દારૂ પીવામા વેડફી નાખતા હોવાથી માનસિક રીતે કંટાળી જઇ બન્ને સાથે મળી સુરસીંગના માથાના ભાગે પથ્થર વડે ગંભીર ઇજા કરી મોત નીપજાવી બન્ને પોતાની વાડીએ જતા રહ્યા હતા.