બમ્પર આવક:ગોંડલ માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાયું, 1 લાખ ગુણીની આવક, યાર્ડની બંને તરફ 1 કિમી લાંબી વાહનની લાઇન લાગી

ગોંડલ4 દિવસ પહેલા
ગોંડલ યાર્ડ બહાર બંને બાજુ ધાણા ભરેલા વાહનની 1 કિમી લાંબી લાઇન લાગી.
  • હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ રૂ.800થી રૂ.1361 સુધીના બોલાયા

સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની સીઝનના પ્રારંભ સાથે જ મગફળીની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર હાઇવે ઉપર બન્ને બાજુ મગફળી ભરેલા વાહનોની 1 કિમી લાંબી લાઇન લાગી છે. યાર્ડમાં આવક શરૂ કરતા 1 લાખ ગુણીથી પણ વધારે મગફળીની આવક નોંધાઈ છે. યાર્ડના કર્મચારીઓ મગફળીની આવકને લઇને ખડેપગે છે. મગફળીથી ગોંડલ યાર્ડ ઉભરાયું છે.

ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.
ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.
ગુણીના થપ્પા લાગી ગયા.
ગુણીના થપ્પા લાગી ગયા.

20 કિલો મગફળીના ભાવ રૂ.800
સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતાં ભાવ પણ સારા મળી રહે છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 800થી લઈને 1361 સુધીના બોલાયા હતા.

આવક વધતા યાર્ડની જગ્યા ટૂંકી પડી.
આવક વધતા યાર્ડની જગ્યા ટૂંકી પડી.

ખેડૂતોની મગફળી બગડે નહીં એવી તકેદારી યાર્ડ દ્વારા રખાઈ
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળાએ દરેક ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.

મગફળીની અઢળક આવક થઈ
આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની સિઝનના પ્રારંભ સાથે જ મગફળીની અઢળક આવક થઈ છે. ત્યારે આગામી દિવસોમાં યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સીંગતેલ તેલના ભાવ ભડકે બળતા કેન્દ્ર સરકારે તેલની સ્ટોક મર્યાદાની અમલની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને મગફળીના ઉત્પાદન સમયે જ સરકારની સ્ટોક મર્યાદાની અમલવારીને લઈને જાણકારોના મતે મગફળીના ભાવો ગગડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં પણ મગફળીના પોષણક્ષમ ભાવો ન મળવાની દહેશત વચ્ચે રોષ વ્યાપી જવા પામ્યો છે.

( દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત ગોંડલ)